ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં નવારોની 'X' એ ખોલી પોલ, ટ્રમ્પ સહયોગી પછી મસ્ક પર બગડ્યાં
Peter navarro Post Fact Check: અમેરિકાના પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત અને વ્હાઈટ હાઉસ ટ્રેડ એડવાઈઝર પીટર નવારો અવારનવાર ભારત પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ વખતે તેમના દ્વારા ભારત વિરૂદ્ધ આક્ષેપો કરતી કરવામાં આવેલી પોસ્ટ ફેક્ટ ચેકનો ભોગ બની છે. ફેક્ટ ચેકમાં નવારો અને અમેરિકાના ડબલ સ્ટાન્ડર્ડનો પર્દાફાશ થતાં નવારો વધુ રોષે ભરાયા છે.
ભારત પર ફરી કર્યા આક્ષેપ
નવારોએ X પર પોસ્ટમાં આક્ષેપ મૂક્યો હતો કે, ભારતના ઊંચા ટેરિફના કારણે અમેરિકામાં નોકરીઓ ખતમ થઈ રહી છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ માત્ર નફા માટે ખરીદે છે, તે કમાણીથી રશિયા ‘વૉર મશીન’ ચલાવી રહ્યું છે. યુક્રેનિયન-રશિયન મોતને ભેટી રહ્યા છે. અમેરિકાના કરદાતાઓને વધુ પડતો ટેક્સ ચૂકવવો પડે છે. ભારત સત્ય-અસત્ય સહન કરી શકશે નહીં.
મસ્કનો નવારોની પોસ્ટ પર કટાક્ષ
નવારોની આ પોસ્ટના થોડા કલાક બાદ વિશ્વના ટોચના ધનિક ઈલોન મસ્કે X પર નવારોની પોસ્ટને એક કોમ્યુનિટી નોટ સાથે જોડી દીધી. જેમાં ફેક્ટ ચેકના માધ્યમથી કહેવામાં આવ્યું કે, ભારતે રશિયન ક્રૂડની ખરીદી એનર્જી સિક્યોરિટી માટે કરી છે, માત્ર નફા માટે નહીં. આ કોઈ પણ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધનું ઉલ્લંઘન નથી. અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ અને અન્ય ખનીજ તત્વોની આયાત કરે છે. જે તેની નીતિને હિપોક્રિટિકલ અર્થાત બેવડું વલણ ધરાવતી ગણાવે છે.
નવારો મસ્કની પોસ્ટ પર રોષે ભરાયા
ઈલોન મસ્કના આ જવાબ પર નવારો વધુ રોષે ભરાયા હતા, અને તેમણે મસ્ક પર જ પ્રહાર કરતાં કહ્યું કે, વાહ! ઈલોન મસ્ક લોકોની પોસ્ટમાં પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યા છે. આ સૌથી વાહિયાત નોટ છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ નફા માટે જ ખરીદે છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરતાં પહેલાં કોઈ તેની પાસેથી ક્રૂડ ખરીદતુ ન હતું. ભારત સરકારની સ્પિન મશીન વ્યાપકરૂપે ચાલી રહી છે. યુક્રેનના લોકોને મારવાનું બંધ કરો. અમેરિકન્સની નોકરી છીનવી લેવાનું બંધ કરો.
નવારોના આ પોસ્ટને પણ ટ્વિટરે ફેક્ટ-ચેક કરી છે. તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, ભારતનો ક્રૂડ વેપાર તેનો સાર્વભૌમ નિર્ણય છે. અને તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતો નથી. પ્લેટફોર્મે ફરી એકવાર અમેરિકાના ડબલ સ્ટાન્ડર્ડ (બેવડા વલણ) પર ભાર મૂક્યો છે.