'નવારોને તાત્કાલિક બરતરફ કરો...' બ્રાહ્મણ અંગે ટિપ્પણી કરનારા ટ્રમ્પ સહયોગી પર ભડક્યો હિન્દુ સમુદાય
American Hindus demand Trump fire Peter Navarro: ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારો સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે, જેના કારણે અમેરિકાના હિન્દુઓ રોષે ભરાયા છે. 'અમેરિકન હિન્દુઝ અગેન્સ્ટ ડિફેમેશન' અને 'હિન્દુપૅક્ટ' જેવી સંસ્થાઓએ ટ્રમ્પ પાસે માગ કરી છે કે હિન્દુ વિરોધી નિવેદનો આપતા નવારોને તાત્કાલિક પદ પરથી હટાવવામાં આવે.
નવારોથી નારાજ અમેરિકન હિન્દુઓ
હિન્દુ સંગઠનોએ પીટર નવારોને વ્હાઇટ હાઉસના ટ્રેડ ઑફિસના ડાયરેક્ટર પદ પરથી તાત્કાલિક હટાવવાની માગ કરી છે. તેમના પર હિન્દુ વિરોધી ટિપ્પણીઓ, જાતિગત સંદર્ભોનો ખોટો ઉપયોગ અને હિન્દુ પ્રાર્થનાની મજાક ઉડાવવાનો આરોપ છે. સંગઠનોનું કહેવું છે કે નવારોનાં નિવેદનો અમેરિકામાં હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે અને ભારત-અમેરિકાના સંબંધો માટે પણ ખતરો છે. આ નિવેદનોને 'હિન્દુફોબિક' ગણાવતા સંગઠનોએ કહ્યું છે કે આ એક સાંસ્કૃતિક હિંસા છે, જે 100 કરોડથી વધુ હિન્દુઓની ગરિમાને નુકસાન પહોંચાડી શકે છે અને બંને દેશોના સંબંધોને નબળા પાડી શકે છે.
હિન્દુઓને વિભાજિત કરવાનો આરોપ
હિન્દુ સંગઠનોએ નવારોના નિવેદનોને નિંદનીય ગણાવ્યા છે અને કહ્યું છે કે, તે હિન્દુ સમાજને નીચો દેખાડવાનો અને વસાહતી વિચારધારા મુજબ વિભાજિત કરવાનો પ્રયાસ છે. હિન્દુપૅક્ટના અજય શાહના મતે, આવા નિવેદનોથી ભારત-અમેરિકાના સંબંધો બગડી શકે છે અને નવારો જેવા લોકોનું અમેરિકન રાજકારણમાં કોઈ સ્થાન નથી. સંગઠને નવારો પર હિન્દુ પ્રાર્થનાની મજાક ઉડાવીને ધાર્મિક સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ મૂક્યો છે.
અમેરિકન હિન્દુઓ અનુસાર, નવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેસરી વસ્ત્રોમાં ધ્યાન કરતા ફોટો પોસ્ટ કરીને હિન્દુ આધ્યાત્મિકતાની મજાક ઉડાવી. હિન્દુપૅક્ટના પ્રમુખ દીપ્તિ મહાજને આ કૃત્યને ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું. તેમણે કહ્યું કે જો આ ધર્મનું અપમાન હોય, તો તે ધાર્મિક આસ્થા પર હુમલો છે, અને જો તે ભારતીય નેતૃત્વ પર નિશાન હોય, તો તે રાજદ્વારી બેદરકારી છે.
આ પણ વાંચો: અમે તો ડરવાના નથી, દાદાગીરી તો નહીં ચાલે', ટ્રમ્પના કટાક્ષ-ધમકીનો જિનપિંગે આપ્યો જવાબ
ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે નવારો
પીટર નવારો તાજેતરના દિવસોમાં અમેરિકામાં સૌથી મોટા ભારત વિરોધી બની ગયા છે. તેમણે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, 'રશિયા પાસેથી તેલ ખરીદીને ભારતના બ્રાહ્મણો નફો કમાઈ રહ્યા છે, જ્યારે સામાન્ય ભારતીયોને તેનાથી કંઈ જ મળતું નથી.' આ સાથે જ તેમણે ભારતને 'ટેરિફના મહારાજા' પણ ગણાવ્યું. ટ્રમ્પના પ્રિય નવારોનું કહેવું છે કે, 'ભારત, તેલ ખરીદીને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. તેમજ યુક્રેનમાં શાંતિનો માર્ગ નવી દિલ્હીથી થઈને જાય છે.'
પીટર નવારોએ કહ્યું હતું કે, 'હું ભારતીય લોકોને એટલું જ કહીશ કે તેઓ સમજે કે અહીં શું થઈ રહ્યું છે. બ્રાહ્મણો ભારતીય લોકોના ભોગે નફો કમાવી રહ્યા છે અને અમે ઇચ્છીએ છીએ કે આ બધું બંધ થાય.' નવારોએ અગાઉ યુક્રેન યુદ્ધને 'મોદી યુદ્ધ' ગણાવ્યું હતું અને દલીલ કરી હતી કે ભારત ક્રૂડ ઓઇલની આયાત કરીને રશિયન તિજોરીને મજબૂત કરી રહ્યું છે. જોકે, ભારતે નવારોના આ નિવેદન બાદ રશિયન તેલની ખરીદીનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેની ઊર્જા ખરીદી વૈશ્વિક બજાર સંચાલનનો એક ભાગ છે.