ચેતજોઃ ઘરમાં પણ તમે કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત નથી....
ઘરમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે અને બચવા માટેના તમામ પ્રયત્નો અપનાવવા પડશે
દક્ષિણ કોરિયા, તા. 22 જુલાઈ 2020, બુધવાર
હવે તમે ઘરે બેઠા પણ કોરોના વાયરસ કોવિડ-19થી સંક્રમિત થઈ શકો છો. આ ખુલાસો દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ઘરના સામાનથી અને બહારથી આવતી વસ્તુઓના માધ્યમથી પણ કોરોના ફેલાવાની સંપૂર્ણ સંભાવના છે. દક્ષિણ કોરિયાના આ સ્ટડીને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ 16 જુલાઈના રોજ પ્રકાશિત કર્યો હતો.
આ અહેવાલ 5,706 પ્રાથમિક કોરોના દર્દીઓ અને ત્યાર બાદ સંક્રમિત થયેલા 59,000 લોકો પર આધારીત છે. અહેવાલ પ્રમાણે કોરોનાના 100 દર્દીઓમાંથી માત્ર બે દર્દી જ એવા છે જેમને બિનઘરેલુ સંપર્કના કારણે કોરોના થયો હોય. મતલબ કે ઘરથી બહાર રહીને કોરોનાનું સંક્રમણ ફેલાયું હોય તેવા લોકોની સંખ્યા પ્રત્યેક 100એ બેની છે. જ્યારે પ્રત્યેક 10 દર્દીઓમાંથી એક દર્દીને તેમના ઘરના સદસ્યના દ્વારા જ કોરોના સંક્રમણ લાગ્યું છે.
ઉંમરની રીતે જોઈએ તો પણ કોરોના કોઈને નથી છોડી રહ્યું. કોરોના ઘરમાં રહેલા ઓછી ઉંમરના કિશોરોથી લઈને 60થી 70 વર્ષના વડીલોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યું છે. અભ્યાસ પ્રમાણે ઘરમાં રહેતા કિશોરો અને વડીલો સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે.
કોરિયા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (KCDC)ના ડિરેક્ટર જિયોંગ ઈયૂન કીયોંગના કહેવા પ્રમાણે કિશોરો અને વડીલો ઘરના તમામ સદસ્યોની નજીક રહે છે માટે તેમના સંક્રમિત થવાની શક્યતા પણ વધી જાય છે. આ સંજોગોમાં આ બંને જૂથે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હૈલીમ યુનિવર્સિટી કોલેજના પ્રોફેસર ડો. ચો યંગ જૂનના કહેવા પ્રમાણે 9 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોના સંક્રમિત થવાની શક્યતા સૌથી ઓછી હોય છે. બાળકો મોટા ભાગે એસિમ્ટોપમૈટિક હોય છે મતલબ કે તેમનામાં કોરોનાના લક્ષણો નથી દેખાતા. આ કારણે જ તેમને કોરોના થયો છે કે નહીં તે ઓળખવામાં શરૂમાં મુશ્કેલી અનુભવાય છે.
ડો. ચો યંગે ચેતવણીના સૂરમાં જણાવ્યું કે, કોરોના વાયરસ કોઈ પણ ઉંમરના મનુષ્યને નથી છોડી રહ્યો. તે દરેક વ્યક્તિને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. માત્ર ઘરમાં રહેવાથી જ તમે સુરક્ષિત નહીં રહી શકો. તમારે ઘરમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે અને બચવા માટેના તમામ પ્રયત્નો અપનાવવા પડશે.