સીઓલ, તા.22 જુલાઇ, 2020, બુધવાર
સાઉથ કોરિયાના સંશોધકોએ કોરોના સંક્રમણના સ્ત્રોતને લગતો એક અહેવાલ તૈયાર કર્યો હતો. એમાં દાવો કર્યો હતો કે સંક્રમણનો ખતરો ઘરના લોકોથી જ વધારે હોય છે. અજાણ્યા લોકો કોરોના સંક્રમિત કરે એના કરતા ઘરના લોકો જ કોરોનાનો ચેપ લગાડે એવી શક્યતા વધારે હોય છે.
અમેરિકા સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલે સાઉથ કોરિયા સંશોધકોએ તૈયાર કરેલો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. એ અહેવાલ પ્રમાણે સેમ્પલ માટે પસંદ કરેલા 100માંથી માત્ર બે લોકોને અજાણ્યા લોકોથી કોરોના થયો હતો. તે સિવાયના લોકોને કોરોના સંક્રમણ ઘરના લોકોથી જ થયું હતું.
સંશોધકોએ નોંધ્યું હતું કે સરેરાશ 10માંથી એક વ્યક્તિને ઘરના કાઈ વ્યક્તિએ જ કોરોનાનો ચેપ લગાડયો હતો. એમાં પણ જેમની વય 60થી 70 વર્ષ છે એવા પરિવારના સભ્યોને સૌાૃથી વધુ કોરોના સંક્રમણનો ખતરો ઘરમાંથી જ છે.
સંશોધકોએ નોંધ્યું હતું : આ સભ્યો સૌથી વધુ ઘરના સભ્યો સાથે જ સંપર્કમાં આવે છે. વિવિધ ગાઈડલાઈનના કારણે મોટાભાગના મોટી વયના લોકો બહાર નીકળતા નથી, પરંતુ ઘરના અન્ય સભ્યો બહાર નીકળતા હોવાથી તે સંક્રમિત થાય છે અને પછી એ જ સભ્યો ઘરના વડીલોને પણ સંક્રમણ લગાડે છે.
સાઉથ કોરિયાના સંશોધકોના મતે નવ વર્ષથી નીચેના બાળકોને પણ પરિવારના સભ્યોથી જ ચેપ લાગવાની શક્યતા વધુ છે. પરિવારના સભ્યો નાના બાળકોને બહારના લોકોથી સંક્રમણ ન લાગે તેનું પુરૂં ધ્યાન રાખે છે, પરંતુ એ જ સભ્યો પોતાના રોજિંદા કામથી સંક્રમિત થાય છે અને અજાણતા જ બાળકોને પણ તેનો ચેપ લગાડે છે.
અહેવાલમાં દાવો કરાયો હતો કે તમે ઘરની બહાર નીકળતા નથી અને ઘરમાં જ રહો છો તો પણ તમને સંક્રમણની પૂરી શક્યતા છે. ઘરના સભ્યો બહારના લોકો કરતાં વધુ ખતરો બની શકે છે. સંશોધકોએ ઘરની બહાર નીકળતા સભ્યોને સલાહ આપી હતી કે તેમણે સભ્યોથી અંતર જાળવવું હિતાવહ છે.


