આઠ ફાઇટર જેટ-ડઝનેક યુદ્ધજહાજોની સુરક્ષા વચ્ચે પેલોસી તાઇવાન પહોંચ્યા
- અમેરિકાએ ચીનની ધમકીઓની ઐસીતૈસી કરતા ચીન લાલઘૂમ
- પેલોસીના આગમન બાદ ચીનની લાઇવ-ફાયર ડ્રિલની જાહેરાત, તાઇવાનની એરસ્પેસમાં 21 ચીની ફાઈટર વિમાનો ઘૂસ્યા
બૈજિંગ : ચીનની ધમકીઓની ઐસીતૈસી કરતા અમેરિકન સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઇવાન પહોંચી ચૂક્યા છે. આ પહેલા ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે એક બોઇંગ સી-૪૦સી નેન્સી પેલોસીને તાઇપે લઈ જઈ રહ્યુ છે. પેલોસીની ફ્લાઇટને સુરક્ષા પૂરી પાડવા માટે જાપાનના ઓકિનાવામાં એક અમેરિકન બેઝથી ૮ યુએસ એફ-૧૫ ફાઇટર જેટ અને પાંચ ટેન્કર વિમાનોએ ઉડ્ડયન ભર્યુ હતુ.આ ઉપરાંત નેન્સી પેલોસી સ્વશાસિત તાઇવાનની મુલાકાત લેનારી છેલ્લા ૨૫ વર્ષમાં સૌપ્રથમ અમેરિકન આગેવાન બની છે.
પેલોસીને તાઇવાન લઈ જનારા વિમાન પર કોઈપણ પ્રકારના ચીનના હુમલાની સ્થિતિમાં અમેરિકન હવાઇદળને ગોળીબાર કરવાની છૂટ મળી છે. પેલોસી ઉતર્યા તે પહેલા ચીને તાઇવાનની ઉપરના હવાઇક્ષેત્રને બધા નાગરિક વિમાનો માટે બંધ કરી દીધું હતું. એક વિડીયોમાં પેલોસીનું તાઇવાનની સૌથી ઊંચી ઇમારત પર સ્વાગત થતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુએ કેટલાક લોકો પેલોસીની યાત્રાનો વિરોધ કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે તે દેશને ભયમાં મૂકી રહ્યા છે.
ચીને પણ પેલોસીની આ મુલાકાત સામે દક્ષિણ-ચીન સમુદ્રમાં લાઇવ-ફાયર ડ્રિલ કરવાની જાહેરાત કરી છે. અમેરિકાએ મંગળવારે તેના ચાર યુદ્ધજહાજ અને એક એરક્રાફ્ટ કેરિયરને તાઇવાનના પૂર્વ વિસ્તારમાં ગોઠવવાને તેની દૈનિક કવાયત ગણાવ્યું હતું. આ પહેલા અમેરિકાએ પોતાના બે એરક્રાફ્ટ કેરિયર, ડઝનેક યુદ્ધજહાજ અને ત્રણ સબમરીનને તાઇવાનની સરહદની એકદમ નજીક ગોઠવ્યા હતા. ચીને પણ મોટાપાયા પર ઘાતક યુદ્ધજહાજ અને ફાઇટર જેટને તાઇવાન તરફ ગોઠવ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા સમુદ્રમાં ચીનનું લશ્કર નજરે આવી રહ્યું છે, ત્યાંથી તાઇવાની દ્વીપ ફક્ત ૧૦ કિ.મી. દૂર છે.
ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે તાઇવાનના મુદ્દે વોશિંગ્ટનનો વિશ્વાસઘાત એક રાષ્ટ્ર તરીકે તેની વિશ્વસનીયતામાં નોંધપાત્ર ઘટાડો કરશે. તાઇવાનના મુદ્દે કેટલાક અમેરિકન રાજકારણીઓ આગ સાથે રમત રમી રહ્યા છે. તેઓને ચોક્કસપણે તેના સારા પરિણામ નહી મળે. પેલોસીએ તાઇવાનમાં ઉતરતા જ જણાવ્યું હતું કે તેમની આ મુલાકાત તાઇવાનના લોકતંત્રને અમેરિકાના સમર્થનનું પ્રતીક છે. તેણે કહ્યું હતું કે અમારી મુલાકાત તાઇવાનની મુલાકાત લેતા વિવિધ રાજકીય પ્રતિનિધિમંડળો જેવી જ છે. તેના લીધે તેના અંગેની અમારી અગાઉની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. તેના કારણે અમે અમારા અગાઉના વલણ ફરી રહ્યા નથી તે પણ તેટલું જ સ્પષ્ટ છે.
પેલોસીના આગમનના પગલે તાઇવાનમાં તાઇવાન-ટુ એલર્ટ જાહેર કરાયુ હતુ. જ્યારે ચીનમાં પણ સાઇરનો વાગવા માંડી હતી.