'યુદ્ધ માટે તૈયાર રહો...', અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા નિષ્ફળ, તાલિબાને આપી ખુલ્લી ધમકી

Pakistan-Afghanistan Dispute : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છેલ્લા ઘણાં સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બોર્ડર પર એક બીજાના અનેક સૈનિકોના મોત બાદ વાટાઘાટોના ટેબલ પર આવેલા તાલિબાન અને પાકિસ્તાની સરકાર વચ્ચેનો વિવાદ હજુ પૂરો થયો નથી તેવું લાગી રહ્યું છે. ઇસ્તંબુલમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાંતિ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ શાંતિ વાર્તા સમાપ્ત થઈ છે. પાકિસ્તાને આ વિવાદ માટે કાબુલને દોષી ઠેરવ્યો હતો, જ્યારે ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાને એક કડક શબ્દોમાં નિવેદન જારી કરીને પાકિસ્તાન પર પ્રગતિમાં અવરોધ લાવવાનો અને તુર્કી અને કતાર દ્વારા મધ્યસ્થી પ્રયાસો છતાં બેજવાબદારીપૂર્વક વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.
અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા નિષ્ફળ
મીડિયા રિપોર્ટ મુજબ, બોર્ડર પર ચાલી રહેલા હિંસક અથડામણો અને સૈનિકોના મોત મામલે વાટાઘાટો ટેબલ પર અફઘાનિસ્તાનના પ્રતિનિધિ અને પાકિસ્તાન સરકાર આ મુદ્દાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. ઇસ્તંબુલમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાંતિ વાર્તામાં તૂર્કિયે અને કતરે પણ મધ્યસ્થતાની કોશિશ કરી હતી. પરંતુ તાલિબાને પાકિસ્તાન પર પ્રગતિમાં અવરોધ લાવવાનો આરોપ લગાવ્યો છે.
અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાનની બેજવાબદાર અને અસહકારાત્મક નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'અફઘાન પ્રતિનિધિઓએ ખૂબ જ ગંભીરતાથી વાટાઘાટોમાં જોડાયા હતા, પરંતુ પાકિસ્તાને ફરી એકવાર બધી જવાબદારી અફઘાનિસ્તાન પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.'
પાકિસ્તાન પોતાની અને અફઘાનિસ્તાનની સુરક્ષાની જવાબદારી લેવા ઈચ્છતુ નથી: તાલિબાન
તાલિબાન મુજબ, પાકિસ્તાન ન તો અફઘાનિસ્તાનની સુરક્ષાની જવાબદારી લેવા ઈચ્છે છે, ન તો પોતાની. અફઘાન નેતૃત્વએ વાટાઘાટોમાં જમીની સમાધાન માટે કોશિશ કરી હતી, પરંતુ પાકિસ્તાનનું વલણ યોગ્ય જણાયું ન હતું. તાલિબાન સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ અન્ય કોઈ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં, કે દેશની સાર્વભૌમત્વ સાથે સમાધાન કરવામાં આવશે નહીં. તેમજ અફઘાન નાગરિકો અને પ્રદેશનું રક્ષણ તેની ધાર્મિક અને રાષ્ટ્રીય ફરજ જાહેર કરી છે.
અફઘાનિસ્તાનના મંત્રી નોરોલ્લાહ નૂરીએ પાકિસ્તાન અધિકારીને સતર્ક કરતાં કહ્યું કે, 'અફઘાનોની સહનશીલતાની પરીક્ષા ન લે.' તેમણે પાકિસ્તાનના રક્ષા મંત્રીને ચેતવણી આપતાં કહ્યું કે, 'માત્ર ટેક્નિક પર વિશ્વાસ કરવો એ સમજદારી નથી, જો યુદ્ધ થયું તો અફઘાનિસ્તાનના વડીલો-યુવાનો તમામ એકસાથે લડશે.'

