અફઘાનિસ્તાનનું મક્કમ વલણ, પાકિસ્તાનને નિરાશા હાથ લાગી, જુઓ તૂર્કિયેમાં આયોજિત બેઠકમાં શું થયું

IMAGE: IANS |
Afghanistan Pakistan: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા ફરી એકવાર કોઈપણ પરિણામ વિના ખતમ થઈ ચુકી છે. બંને દેશો વચ્ચે ત્રીજા તબક્કાની શાંતિ વાર્તા તુર્કીયે અને કતરની મધ્યસ્થતામાં ઇસ્તાંબુલમાં ચાલી રહી હતી. પાકિસ્તાનનું કહેવું છે કે, તે આતંકવાદના મુદ્દે સમજૂતી નહીં કરે. જોકે, અફઘાનિસ્તાને તહેરીક-એ-તાલિબાન પર લગામ લગાવવાનું કોઈ લેખિત વચન નથી આપ્યું. અફઘાનિસ્તાનનું કહેવું છે કે, તેઓ પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે નહીં થવા દે.
પાકિસ્તાને તુર્કીયે અને કતરનો આભાર માન્યો
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, બંને દેશો વચ્ચે વાતચીત ખતમ થઈ ગઈ છે અને ચોથા તબક્કાની વાટાઘાટોને લઈને હાલ કોઈ પ્લાન નથી. જણાવી દઈએ કે, ગુરૂવારે બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ હતી. પાકિસ્તાન ઈચ્છતું હતું કે, અફઘાનિસ્તાન લેખિતમાં આપે કે, તે તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સામે એક્શન લેશે. આ સિવાય ખ્વાજા આસિફે તુર્કીયે અને કતરની મધ્યસ્થતા તેમજ તણાવને ઓછો કરાવવા માટે આભાર માન્યો છે.
આ પણ વાંચોઃ પ.આફ્રિકન દેશ માલીમાં આતંકીઓ દ્વારા પાંચ ભારતીયોના અપહરણથી પરિવારમાં ચિંતાનો માહોલ
ખાલી હાથ પાછું આવવું પડ્યુંઃ ખ્વાજા આસિફ
ખ્વાજા આસિફે કહ્યું કે, અફઘાનિસ્તાન તેમની વાત માનવા તૈયાર હતું પરંતુ, લેખિતમાં સમજૂતી કરવા તૈયાર ન થયું. મધ્યસ્થતા કરનારા દેશોએ પોતાની તરફથી પ્રયાસમાં કોઈ કમી નથી છોડી. જો તેઓ આશાવાદી હોત તો અમને રોકાવાનું કહેતા. અમારે ખાલી હાથ પાછું આવવું પડ્યું અને એનાથી જાણ થઈ કે, કાબુલથી પણ તેઓ નિરાશ થઈ ગયા છે. જોકે, પાકિસ્તાનનું સ્ટેન્ડ હજુ સુધી બદલાયું નથી.
ફરી નિષ્ફળ રહી વાટાઘાટો
ગત મહિને શરૂ થયેલા સીમા વિવાદથી ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે પેદા થયેલા તણાવના કારણે ઇસ્તાંબુલમાં ત્રીજા તબક્કાની વાટાઘાટો શરૂ થઈ હતી. આ પહેલાં 19 ઓક્ટોબરે દોહા અને 25 ઓક્ટોબરે ઇસ્તાંબુલમાં થયેલી બે તબક્કાની વાટાઘાટોમાં બંને પક્ષ વિવાદાસ્પદ મુદ્દા પર સંમતિ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પણ વાંચોઃ દ.આફ્રિકાથી નારાજ ટ્રમ્પે G20 સમિટનો બહિષ્કાર કર્યો, કહ્યું- કોઈ અધિકારી ભાગ નહીં લે
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 11થી 15 ઓક્ટોબર વચ્ચે થયેલા તણાવમાં બંને પક્ષોએ માનવ ક્ષતિની પુષ્ટિ કરી હતી. જોકે, એક અસ્થાયી સંઘર્ષ વિરામ બાદ સ્થિતિને કાબૂમાં લાવવામાં આવી હતી. આ સંઘર્ષ વિરામને વધારવામાં આવ્યો હતો જે હજુ સુધી લાગુ છે.

