ભારતથી હાર્યા બાદ પોતાના જ ખેલાડીઓ પર PCBએ ગુસ્સો ઠાલવ્યો, NOC સ્થગિત, વિદેશી લીગમાં રમવા પર મૂક્યો પ્રતિબંધ
PCB Suspends NOC: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારત સામે હાર્યાના એક દિવસ પછી તેમના ખેલાડીઓને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) સ્થગિત કરી દીધી છે. આ માહિતી પાકિસ્તાની મીડિયા રિપોર્ટસ્ અને ત્યાંના રમત ગમત પત્રકાર ફૈઝાન લાખાણીએ શેર કરી છે. એનઓસી સ્થગિતનો અર્થ એ થયો કે, હવે રાષ્ટ્રીય ખેલાડીઓને કોઈ પણ વિદેશી T20 અથવા ફ્રેંચાઇઝી લીગમાં ભાગ લેવાની મંજૂરી નહીં મળે.
આ પણ વાંચો: H1B વિઝામાં ફી વધારા બાદ હજુ પણ મોટા ફેરફારની શક્યતા! ટ્રમ્પના મંત્રીની જાહેરાત
પાકિસ્તાની ન્યૂઝ પોર્ટલ સમાં ટીવીએ સૂત્રોનો હવાલો આપીને જણાવ્યું હતું કે, PCBના ચીફ ઓપરેટિંગ ઑફિસર સૈયદ સમીર અહેમદે ખેલાડીઓને વિદેશી લીગ કરતાં સ્થાનિક ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી છે.
નિર્ણયથી કયા ખેલાડીઓને અસર
આ નિર્ણયથી પાકિસ્તાનના ટોચના ક્રિકેટરોને સીધી અસર થશે. આમાં બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, ફહીમ અશરફ અને શાદાબ ખાનનો સમાવેશ થાય છે, જેઓ આ વર્ષે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL 15) માં રમવાના હતા. હરિસ રૌફ અને અન્ય ખેલાડીઓ ILT20 જેવી ફ્રેન્ચાઇઝી લીગમાં પણ રમવાના હતા.
આ પણ વાંચો: બીજી ઓકટોબર પહેલા લંડનમાં ગાંધીજીની પ્રતિમામાં તોડફોડ, ભારતીય હાઈ કમિશન નજીક જ હુમલો
PCBએ NOC સ્થગિત કરવાનું કારણ નથી આપ્યું
જોકે, મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, PCBએ NOC સ્થગિત કરવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ ક્રિકેટ વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે, બોર્ડનું આ પગલું એશિયા કપમાં ટીમના નબળા પ્રદર્શનને કારણે આ તાત્કાલિક પ્રતિક્રિયા છે. Saam TV ઉપરાંત, ProPakistani.pk એ પણ આ જ અહેવાલ આપવામાં આવ્યો છે.