H1B વિઝામાં ફી વધારા બાદ હજુ પણ મોટા ફેરફારની શક્યતા! ટ્રમ્પના મંત્રીની જાહેરાત
America H-1B Visa: અમેરિકામાં ટ્રમ્પ સરકારે H-1B વિઝાની ફી અનેકગણી વધારીને 1,00,000 અમેરિકી ડૉલર કરી દીધી છે. ત્યારે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે H-1B વિઝા નિયમો વિશે એક મોટી વાત કહી છે. લુટનિકે જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2026 પહેલાં H-1B વિઝા પ્રક્રિયામાં ઘણા ફેરફારો થશે.
ફેબ્રુઆરી 2026માં લાગુ થશે આ ફેરફાર
હોવર્ડ લુટનિકે વર્તમાન વિઝા પ્રક્રિયાને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે. તેમણે ઓછા ખર્ચે આવતા ટેક્નિકલ કન્સલ્ટન્ટ્સને અમેરિકામાં પ્રવેશવાની અને તેમના પરિવારોને સાથે લાવવાની પરવાનગી સામે પણ વાંધો ઉઠાવ્યો છે. લુટનિકે મીડિયાને જણાવ્યું કે, 'આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2026માં લાગુ થશે, તેથી મારું અનુમાન છે કે અત્યારથી 2026ની વચ્ચે તેમાં ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફારો થશે.'
ટ્રમ્પ સરકાર લોટરી સિસ્ટમ ખતમ કરી શકે છે
લુટનિકે સંકેત આપ્યા છે કે અમેરિકી સરકાર H-1B વિઝા હેઠળની લોટરી સિસ્ટમને સમાપ્ત કરી શકે છે. લોટરી સિસ્ટમની ટીકા કરતાં લુટનિકે સવાલના અંદાજમાં કહ્યું કે, શું કોઈ દેશે લોટરી દ્વારા કુશળ કામદારોને પોતાના દેશમાં લાવવા જોઈએ? તેમણે કહ્યું કે H-1B વિઝા લોટરી સિસ્ટમને સુધારવી જોઈએ અને અમેરિકાએ નોકરીઓ ફક્ત સૌથી કુશળ લોકોને જ આપવી જોઈએ.
પ્રમુખ ટ્રમ્પ મારી સાથે છે: લુટનિક
મંત્રી લુટનિકે કહ્યું, 'કંપનીઓએ એવા ટેક્નિકલ કન્સલ્ટન્ટ્સ અને ટ્રેઇનીને રાખવાનો વિચાર છોડી દેવો જોઈએ જેઓ ઓછા ખર્ચે આવતા હોય. આ વિશે મારો મત પાકો છે. મને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દાઓ પર મારી સાથે છે. મારું માનવું છે કે ઓછા ખર્ચે આવતા ટેક્નિકલ કન્સલ્ટન્ટ્સ આ દેશમાં આવે અને તેમના પરિવારોને પણ લાવે, તે મને બિલકુલ ખોટું લાગે છે અને હું તેને યોગ્ય માનતો નથી.'
ભારતીયો પર અસર થશે
નોંધનીય છે કે, H-1B વિઝાની વધેલી ફીની ભારતીયો પર મોટી અસર થશે. H-1B વિઝા પ્રક્રિયા 1990માં શરુ કરવામાં આવી હતી. આ વિઝા સિસ્ટમ વિશ્વભરના એવા પ્રોફેશનલ્સ માટે ખૂબ જ લોકપ્રિય છે જેઓ અમેરિકામાં પોતાનું કરિયર બનાવવા માંગે છે. હવે જ્યારે અમેરિકી સરકાર નિયમોમાં ફેરફાર કરી રહી છે, ત્યારે તેની અસર ભારતીય પ્રોફેશનલ્સ પર પણ પડશે. મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ H-1B વિઝા દ્વારા અમેરિકામાં કામ કરી શકે છે.