પેરેમાઉન્ટે બીડમાં ઝૂકાવ્યું : વોર્નર બ્રધર્સને ખરીદવા 108 અબજ ડોલરની ઓફર !

- હજુ ત્રણ દિવસ જ પહેલા જ નેટફલિક્સ નિશ્ચિત જણાતું હતું
- નેટફલિક્સે 83 અબજ ડોલરની ઓફર સાથે સોદો લગભગ નિશ્ચિત કર્યો હતો
લોસ એંજલસ : હજુ ત્રણ દિવસ પહેલા જ હોલિવુડની ફિલ્મ અને મનોરંજનની દુનિયાની અગ્રણી નિર્માણ કંપની વોર્નર બ્રધર્સ ડિસ્કવરીને ખરીદવા માટે ઓટીટી કંપની નેટફલિકસે ૮૩ અબજ ડોલર સાથે ખરીદવાની તૈયારી બતાવી છે ત્યારે આ ડીલ આખરી પ્રક્રિયા તરફ આગળ ધપે તે પહેલા કોર્પોરેટ જગત ચોંકી જાય તેટલી ૧૦૮ અબજ ડોલરની રકમ અન્ય હોલીવુડ નિર્માણ કંપની પેરેમાઉન્ટ સ્કાયડાન્સે વોર્નર બ્રધર્સને ખરીદવાની ઓફર કરી છે.
નેટ ફલિક્સે વોર્નર બ્રધર્સને શેર દીઠ ૨૭.૨૫ ડોલર ઓફર કર્યા હતા ત્યારે પેરેમાઉન્ટ કંપનીના સીઈઓ ડેવિડ એલિસને વોર્નર બ્રધર્સના એક શેર માટે અમે ૩૦ ડોલર ચુકવવા તૈયાર છે તેમ જણાવી રેસમાં ઝૂકાવ્યું હતું.
પેરેમાઉન્ટના સીઈઓએ એમ પણ કહ્યું હતું કે, ''નેટફલિકસ કરતા અમે શેર હોલ્ડર્સને ૧૮ અબજ ડોલર વધુ રોકડ આપીએ છીએ. અમે આ સમગ્ર ખરીદ પ્રક્રિયા નેટફલિક્સે વોર્નર બ્રધર્સને આપેલ સમય મર્યાદા કરતા ઝડપથી પૂર્ણ કરી શકીશું.'' પેરેમાઉન્ટે એવો પણ આરોપ મુક્યો છે કે, ''વોર્નર બ્રધર્સ સમગ્ર બીડિંગ પ્રક્રિયામાં પારદર્શક નથી લાગતું. તેઓ બીડિંગના નિયમો પ્રમાણે સૌથી વધુ રકમ ઓફર કરનાર તરફ દુર્લક્ષ્ય સેવે છે.''
બજારના સૂત્રો એવું કહે છે કે ઘણી વધુ ઓફર હોવા છતાં વોર્નર બ્રધર્સ પેરેમાઉન્ટ કરતા નેટફલિક્સને વધુ પસંદ કરતું હોય તેમ લાગે છે કેમ કે પેરેમાઉન્ટ પોતે જ છેલ્લા વર્ષોમાં નિસ્તેજ પુરવાર થયું છે. તેઓના કોઈ સફળ નિર્માણ કે પ્રોજેક્ટ નથી. તેઓની બજાર કિંમત ૧૪ અબજ ડોલર જ થઈ ગઈ છે. જ્યારે નેટફલિક્સ ૪૦૦ પ્લસ બિલિયન ડોલરની કંપની છે.
પેરેમાઉન્ટ કંપનીને જોકે એલિસન પરિવાર , રેડબર્ડ કેપિટલ અને બેંક ઓફ અમેરિકાનો ટેકો છે. જોકે નેટફલિક્સ વોર્નર બ્રધર્સને ખરીદવામાં સફળ થાય છે કે પેરેમાઉન્ટ બંને સોદાને 'એન્ટી ટ્રસ્ટ'ની કલમમાંથી પસાર થવું પડશે.

