- ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલામાં મૃત્યુ આંક વધીને 16 થયો
- પોલીસે આતંકીઓની કારમાંથી વિસ્ફોટકો અને આઇએસનો ઝંડો જપ્ત કર્યો, ત્રીજા આતંકીની પોલીસે શોધખોળ આદરી
સિડની : ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ આંક વધીને ૧૬ થઈ ગયો છે. પોલીસને એવી આશંકા છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો આતંકવાદી બાપ-દીકરો ઉપરાંત એક ત્રીજો આતંકવાદી પણ સંડોવાયેલો હતો. તેની શોધખોળ શરૂ કરી છે. બાપ-દીકરામાંથી એક ઈજાગ્રસ્ત બન્યો હતો એટલે પોલીસે તેની ધરપકડ કરી હતી. એક આતંકી હુમલા વખતે જ વળતા ફાયરિંગમાં ઠાર થયો હતો.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચમાં અંધાધૂંધ ગોળીબાર કરીને આતંકવાદીઓએ તહેવારની ઉજવણી કરી રહેલા લોકોમાં હાહાકાર મચાવી દીધો હતો. મૃત્યુ આંક વધીને ૧૬ થયો હતો. લગભગ ૪૦ લોકો ઈજા પામ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાના અભ્યાસ પરથી જણાયું કે આતંકવાદીઓ તાલીમ પામેલા હતા. બહુ જ સિફ્તપૂર્વક ગોળીબાર કરી રહ્યા હતા. એ સ્થળે પોલીસ કર્મચારીઓ હતા, છતાં તેઓ તુરંત કશું કરી શક્યા નહીં. એ દરમિયાન આ આતંકવાદીઓએ મોતનું તાંડવ સર્જી નાખ્યું હતું.
આતંકવાદીઓની ઓળખ થઈ છે. એ પ્રમાણે બે આતંકવાદીઓ બાપ-દીકરો હતા. ૫૦ વર્ષનો સાજિદ અકરમ અને તેનો દીકરો ૨૪ વર્ષનો નવીદ અકરમમાંથી ગોળીબારમાં સાજિદ ઠાર થયો હતો. બીજો હુમલાખોર નવીદ ઈજાગ્રસ્ત બન્યો હતો એટલે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસને આશંકા છે કે ત્રીજો આતંકવાદી પણ આ હુમલામાં સંડોવાયેલો હતો. તેને ઝડપી લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. નવીદના બાપ સાજિદને ફળોની દુકાન હતી. આ બાપ-દીકરાના પરિવારને પણ જાણ ન હતી કે તે આતંકવાદી જૂથ સાથે સંડોવાયેલા છે. બંનેએ વીકેન્ડ ફીશિંગ ટ્રીપમાં જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. બંને પાકિસ્તાનના નાગરિકો છે એ ઉપરાંત આતંકવાદી જૂથ આઈએસમાં જોડાયેલા હતા. હુમલાખોરોની કારમાંથી આઈએસના ઝંડા મળી આવ્યા છે. વીડિયો ફૂટેજમાં પણ કારમાં આઈએસના કાળા ઝંડા જોવા મળ્યા છે. તપાસમાં એવું પણ જણાયું કે આ હુમલો માત્ર યહૂદીઓને ટાર્ગેટ કરીને થયો હતો. હુમલાખોરોએ અન્ય ધર્મના લોકોને સંબોધીને એવું પણ કહ્યું હતું કે તમે લોકો અહીંથી નીકળી જાઓ. અમે માત્ર યહૂદીઓ પર હુમલો કરવા આવ્યા છીએ. ઈઝરાયલ તરફનો આક્રોશ આ આતંકવાદીઓએ આ રીતે કાઢ્યો હોવાની થિયરી રજૂ થઈ રહી છે.
તપાસ એજન્સીઓને ૨૪ વર્ષના નવીદ અકરમ પર છેલ્લાં છ વર્ષથી શંકા હતી. છ વર્ષ પહેલાં જ્યારે ઓસ્ટ્રેલિયામાં આઈએસના નેટવર્કનો પર્દાફાશ થયો હતો ત્યારે ૧૮ વર્ષના નવીદની સંડોવણીની શક્યતા હોવાથી એ એજન્સીના રડારમાં હતો. ૨૦૧૯માં થયેલા એક હુમલાના માસ્ટર માઈન્ડ સાથે પણ તેનું કનેક્શન સામે આવ્યું છે. તપાસ એજન્સીએ સ્વીકાર્યું કે હુમલાખોરો એજન્સીની રડારમાંથી બચી ગયા હતા એ એજન્સીની ભૂલ કહેવાય. આ આતંકવાદીને ખતરનાકની શ્રેણીમાં ન મૂકવાની ભૂલ કરી તેના કારણે તે આટલા મોટા હુમલાને અંજામ આપી શક્યો. ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ એજન્સીઓ અને પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે.
દુનિયાએ પહલગામ હુમલાની અવગણના કરી : યુએઇના એક્સપટ
યુએઈના જિયો પોલિટિકલ એક્સપર્ટ અજમદ તાહાએ ઓસ્ટ્રેલિયાના હુમલાના સંદર્ભમાં કહ્યું હતું કે આ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાની વિચારધારા જવાબદાર છે. બંને આતંકીઓ પાકિસ્તાન મૂળના છે. ભારતે પહલગામ હુમલાનો સામનો કર્યો હતો. પ્રવાસીઓ પર આતંકીઓ તૂટી પડયા હતા. દુનિયાએ આ હુમલાને નજર અંદાજ કર્યો એટલે એ જ કટ્ટર વિચારધારાથી ઓસ્ટ્રેલિયામાં પણ ઉત્સવ ઉજવતા લોકો પર આતંકીઓ તૂટી પડયા. બે મોટા હુમલામાં પાકિસ્તાની નાગરિકોની સંડોવણી છે. આ મુદ્દે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાની જરૂર છે. દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે યહૂદીઓની સુરક્ષામાં ઓસ્ટ્રેલિયન સરકાર ઉણી ઉતરી છે. આ બહુ જ ગંભીર બાબત છે.


