Pakistan To Deploy Army In Gaza : પાકિસ્તાન હવે ગાઝા પટ્ટીમાં પોતાના સૈનિકો મોકલવા પર વિચારણા કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકાએ પાકિસ્તાન પાસેથી ઓછામાં ઓછા 20,000 જવાનો ગાઝામાં તૈનાત કરવા માટે વિનંતી કરી છે. આ સૈનિકોને હમાસના લડવૈયાઓ પાસેથી હથિયારો છીનવીને તેમને નિઃશસ્ત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવશે. આમ તો પાકિસ્તાન હંમેશા હમાસનું સમર્થન કરતું રહ્યું છે અને હમાસ નેતાઓ સાથે પણ સારા સંબંધો ધરાવે છે, જોકે હવે પાકિસ્તાન અમેરિકા અને ઈઝરાયલના દબાણના કારણે હમાસ વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
ગાઝામાં સૈનિકો મોકલવાનો ઈજિપ્તમાં ઘડાયો પ્લાન
વાસ્તવમાં આ મહિનાની શરૂઆતમાં ઈજિપ્તમાં એક બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ગાઝામાં સૈનિકો મોકલવાનો આ સંભવિત નિર્ણય લેવાયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. એવું કહેવાય છે કે, પાકિસ્તાનના સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ અસીમ મુનીરની મુલાકાત ઈજિપ્તમાં CIAના વરિષ્ઠ અધિકારીઓ અને મોસાદના અધિકારીઓ સાથે થઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, પાકિસ્તાની સૈનિકો ગાઝામાં હમાસના શસ્ત્ર ભંડારને નિષ્ક્રિય કરવામાં અને તેના લડવૈયાઓને કાબૂમાં લેવાનું કામ કરશે.
આ પણ વાંચો : ફિલિપાઇન્સમાં કાલમેગી વાવાઝોડાએ મચાવી તબાહી, મૃત્યુઆંક 241ને પાર, જુઓ ભયાનક દૃશ્યો
પાકિસ્તાનનું વલણ કેમ બદલાયું કેમ ?
થોડા અઠવાડિયા પહેલાં જ પાકિસ્તાનમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામને લઈને હિંસક પ્રદર્શનો થયા હતા. પાકિસ્તાને આજ સુધી ઈઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી નથી અને તે હંમેશા પેલેસ્ટાઈન મુદ્દે ઈઝરાયલની વિરુદ્ધમાં ઊભું રહ્યું છે. જોકે, હવે માનવતાવાદી પુનર્વસન અને પુનર્નિર્માણા નામે સૈનિકો મોકલવાનો પ્લાન ઘડાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકાના આદેશ મુજબ, પાકિસ્તાન હમાસના સક્રિય ક્ષેત્રોમાં સૈનિકો તહેનાત કરશે અને અહીં હમાસને નબળો પાડવાની અને તેનો પ્રભાવ ઘટાડવા માટેની ભૂમિકા નિભાવશે. આ મિશનમાં ઈન્ડોનેશિયા અને અઝરબૈજાન પણ સામેલ થવાની સંભાવના છે.
આ પણ વાંચો : 'જીવનમાં આટલા ડરેલા વ્યક્તિ નથી જોયા..' ટ્રમ્પે જિનપિંગ સાથેની મુલાકાતની ઘટના વર્ણવી


