ઈઝરાયલ મુદ્દે ગાઝામાં શાંતિ પણ પાકિસ્તાનમાં તણાવ! લબ્બૈકની રેલીમાં હિંસા, ફાયરિંગમાં 11ના મોત

Image: Envato |
Pakistan Unrest: શનિવારે લાહોરમાં પોલીસ અને ઇસ્લામિક સંગઠન તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસા પાછળનું કારણ સુરક્ષા દળોએ દેખાવકારોને રાજધાની તરફ કૂચ કરતા અટકાવવાનો પ્રયાસ હતો. દેખાવકારો પેલેસ્ટિનિયન તરફી રેલીનું આયોજન કરી રહ્યા હતા. જેને અટકાવવાનો પ્રયાસ કરતાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. પંજાબ પોલીસને 'ઇઝરાયલી ગુંડાઓ' ગણાવતા તહરીક-એ-લબ્બૈકે દાવો કર્યો હતો કે પોલીસે દેખાવકારો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં તેના 11 સભ્યો માર્યા ગયા હતા અને 50થી વધુ ઘાયલ થયા હતા. આજ સવારથી પોલીસ અને ટીએલપી વચ્ચે હિંસક અથડામણમાં તોપમારો અને ગોળીબાર થતાં ટીએલપીના 11 લોકો માર્યા ગયા હતાં.
આંદોલન ઉગ્ર બન્યું
ઇઝરાયલ દ્વારા ગાઝામાં થયેલી હત્યાઓ સામે વિરોધ નોંધાવતાં પાકિસ્તાનમાં ટીએલપીના દેખાવકારોએ ગુરૂવારથી રેલીઓ યોજી આંદોલન છેડ્યુ હતું. શનિવારે તેઓ રાજધાની તરફ કૂચ કરી રહ્યા હતાં, તે સમયે પોલીસે તેમને અટકાવતાં આંદોલન ઉગ્ર બન્યું હતું. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીઅર ગેસના શેલ છોડ્યા હતાં. તેમજ આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. સામે જવાબમાં આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ડઝનથી વધુ પોલીસ ઘાયલ થયા હતાં. લાહોરના આઝાદી ચોક નજીક આ હિંસક અથડામણ થઈ હતી. જ્યાં પોલીસના અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. અનેક અધિકારીઓ ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ PM મોદીની ખેડૂતો માટે દિવાળી ભેટ, રૂ. 42000 કરોડની બે મોટી કૃષિ યોજના શરૂ કરી
પોલીસનો અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ
ઘણા વિસ્તારોમાં, પોલીસે બેરિકેડ ઉભા કર્યા હતા, શિપિંગ કન્ટેનર મૂક્યા હતા. જેથી સંગઠનના વડા સાદ રિઝવીના નેતૃત્વમાં હજારો TLP વિરોધીઓ યુએસ દૂતાવાસ નજીક તેમના પ્રદર્શન માટે ઇસ્લામાબાદ તરફ આગળ વધતા અટકાવી શકાય. લાહોર ઇસ્લામાબાદથી લગભગ 370 કિલોમીટર દૂર છે. પરંતુ આંદોલનકારીઓ ઉગ્ર બનતાં પોલીસ અંકુશ મેળવવામાં નિષ્ફળ રહી હતી. યુએસ દૂતાવાસે તેના નાગરિકોને મોટા મેળાવડા ટાળવા અને તેમની આસપાસના માહોલથી વાકેફ રહેવા સલાહ આપી છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વિરામનો પ્રથમ શાંતિ કરાર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ પ્લાન રજૂ કર્યો હતો. બંને દેશ આ શાંતિ કરારના પ્રથમ તબક્કા માટે સંમત થયા હતા. આ સહમતિ સાથે જ ઈઝરાયલ અને હમાસના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતાં. આ કરાર હેઠળ બંને દેશોની કેદમાં બંધકોને મુક્ત કરવાની જોગવાઈ છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ TLP પર 'રાજકીય લાભ' માટે આ મુદ્દાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોઈપણ જૂથને હિંસાનો ઉપયોગ કરવા અથવા રાજ્યને બ્લેકમેલ કરવાની મંજૂરી આપશે નહીં.