Get The App

'કંગાળ' પાકિસ્તાનની સરકારી એરલાઇન 135 અબજ રૂપિયામાં વેચાઈ, જાણો કોણ છે ખરીદાર?

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
Pakistan International Airlines Sold


(image - ians)

Pakistan International Airlines Sold: આર્થિક પાયમાલીના આરે ઊભેલા પાકિસ્તાને પોતાની પ્રતિષ્ઠિત સરકારી એરલાઇન કંપની PIA(Pakistan International Airlines)નું ખાનગીકરણ પૂર્ણ કર્યું છે. મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી હરાજીમાં પાકિસ્તાનની જ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ આરિફ હબીબ ગ્રૂપ સૌથી વધુ બોલી લગાવીને PIAને ખરીદવામાં સફળ રહ્યું છે.

આરિફ હબીબ ગ્રૂપની 135 અબજની બોલી

PIAને ખરીદવા માટે ત્રણ મુખ્ય પક્ષો મેદાનમાં હતા, જેમાં લકી સિમેન્ટ, એર બ્લૂ અને આરિફ હબીબ ગ્રૂપનો સમાવેશ થતો હતો. સરકારે આ પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક રાખવા માટે તેનું લાઇવ પ્રસારણ કર્યું હતું. પાકિસ્તાન સરકારે PIA માટે 100 અબજ રૂપિયાની બેઝ પ્રાઇસ(રેફરન્સ પ્રાઇસ) નક્કી કરી હતી. અંતે 135 અબજ રૂપિયાની બોલી લગાવીને આરિફ હબીબ ગ્રૂપ વિજેતા બન્યું હતું.

શાહબાઝ સરકારનો પ્લાન અને શરતો

આ સોદાની વિગતો મુજબ, પાકિસ્તાન સરકાર હાલમાં PIAનો 75% હિસ્સો વેચી રહી છે, જ્યારે બાકીનો 25% હિસ્સો ખરીદવા માટે સફળ બિડર પાસે 90 દિવસનો સમય રહેશે. આ ખાનગીકરણ પ્રક્રિયા માત્ર માલિકી બદલવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં એરલાઇનના પુનરુત્થાન માટેની કડક શરતો પણ સામેલ છે. નવા માલિકે આગામી 5 વર્ષમાં એરલાઇનના સંચાલન અને સુધારા માટે 80 અબજ રૂપિયાનું નવું રોકાણ કરવું ફરજિયાત રહેશે. વધુમાં, હરાજીમાંથી મળનારી કુલ રકમની વહેંચણી પણ એવી રીતે કરવામાં આવી છે કે જેથી એરલાઇન આર્થિક રીતે સદ્ધર બને; જે મુજબ હરાજીની રકમના 92.5% હિસ્સાનો ઉપયોગ એરલાઇનમાં જ ફરીથી રોકાણ કરવા માટે થશે, જ્યારે બાકીનો માત્ર 7.5% હિસ્સો સરકારની તિજોરીમાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: બાંગ્લાદેશમાં હિંસા વકરી, હિંદુઓના ઘરોને કટ્ટરપંથીઓએ આગચંપી કર્યાનો આરોપ

ભવ્ય ભૂતકાળ અને પતનનો કરુણ અંત

એક સમય એવો હતો જ્યારે PIA દુનિયાની શ્રેષ્ઠ એરલાઇન્સમાં ગણાતી હતી અને અન્ય દેશો પણ તેની પાસેથી સલાહ લેતા હતા. જોકે, વર્ષોના કુશાસન, ભ્રષ્ટાચાર અને મિસમેનેજમેન્ટને કારણે એરલાઇન સતત ખોટમાં ચાલી રહી હતી. શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે, આ પાકિસ્તાનના ઇતિહાસનો સૌથી મોટો આર્થિક વ્યવહાર છે અને એરલાઇનને બચાવવા માટે ખાનગીકરણ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

શાહબાઝ શરીફે માન્યો આભાર

સફળ હરાજી બાદ પીએમ શાહબાઝ શરીફે કેબિનેટ બેઠકમાં પ્રાઇવેટાઇઝેશન કમિશન અને સરકારી અધિકારીઓનો આભાર માન્યો હતો. આ બીજી વખતનો પ્રયાસ હતો, કારણ કે અગાઉ યોગ્ય કિંમત ન મળવાને કારણે હરાજી રદ કરવી પડી હતી.

'કંગાળ' પાકિસ્તાનની સરકારી એરલાઇન 135 અબજ રૂપિયામાં વેચાઈ, જાણો કોણ છે ખરીદાર? 2 - image