Get The App

VIDEO: બાંગ્લાદેશમાં હિંસા વકરી, હિંદુઓના ઘરોને કટ્ટરપંથીઓએ આગચંપી કર્યાનો આરોપ

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
Bangladesh Violence


Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાનો સિલસિલો સતત વધી રહ્યો છે. મંગળવારે ચિત્તાગોંગમાં ઉશ્કેરાયેલા ટોળાએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી. આ હિંસામાં લોકોએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો, જ્યારે અન્ય એક ઘટનામાં 7 વર્ષની બાળકીનું કરુણ મોત થયું છે.

વાડ કાપીને જીવ બચાવવા મજબૂર બન્યા પરિવારો

ચિત્તાગોંગમાં મંગળવારે બનેલી ઘટનામાં જયંતિ સંઘ અને બાબુ શુકુશીલ નામના વ્યક્તિઓના મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા. હુમલાખોરોએ ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા હોવાથી, જીવ બચાવવા માટે પરિવારે ઘરની વાડ કાપીને ભાગવું પડ્યું હતું. આ આગમાં ઘરવખરીની સાથે પાલતુ પશુઓના પણ મોત થયા છે. સ્થાનિક વહીવટીતંત્રે પીડિતોને માત્ર 25 કિલો ચોખા અને 5000 ટકાની નજીવી મદદ આપી સંતોષ માન્યો છે.

પેટ્રોલ છાંટી ઘર સળગાવ્યું: 7 વર્ષની બાળકી જીવતી સળગી

19 ડિસેમ્બરના રોજ લક્ષ્મીપુર સદરમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના બની હતી. અજાણ્યા બદમાશોએ એક હિન્દુ પરિવારના ઘરને બહારથી લોક કરી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આ ભીષણ આગમાં 7 વર્ષની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઈશનિંદાના ખોટા આરોપ હેઠળ યુવકની નિર્મમ હત્યા

18 ડિસેમ્બરના રોજ ઢાકા પાસે આવેલા ભાલુકમાં દીપુ ચંદ્ર નામના હિન્દુ યુવકની ટોળા દ્વારા પીટાઈ કરીને હત્યા કરવામાં આવી હતી. દીપુ પર ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી. હકીકતમાં, આ હત્યા ફેક્ટરીમાં કામકાજ બાબતે થયેલા વિવાદનું પરિણામ હતું, જેને જાણી જોઈને ધાર્મિક રંગ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બાંગ્લાદેશ ઘૂંટણિયે! યુનુસના નાણાકીય સલાહકાર બોલ્યા, 'ભારત સાથે ખરાબ સંબંધો નથી જોઈતા'

ન્યાયની આશા ઠગારી

આ તમામ ઘટનાઓમાં પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ તો નોંધ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર આ ઘટનાઓના પુરાવા રજૂ કરીને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

VIDEO: બાંગ્લાદેશમાં હિંસા વકરી, હિંદુઓના ઘરોને કટ્ટરપંથીઓએ આગચંપી કર્યાનો આરોપ 2 - image

Tags :