'બે જ મિનિટમાં હું સમજી જઈશ કે ડીલ થશે કે નહીં?', પુતિન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પની બડાઈ
Donald Trump And Putin Meeting In Alaska: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-અમેરિકા સમિટના ત્રણ દિવસ પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આ બેઠકની શરૂઆતની બે મિનિટમાં જ નિર્ણય લઈ લઈશ કે, કોઈ ડીલ થવાની સંભાવના છે કે નહીં. ટ્રમ્પ રશિયાના પ્રમુખ પુતિન સાથે આ શુક્રવારે અલાસ્કામાં બેઠક કરશે. આ બેઠકમાં યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ પર વિરામ મુકવા મુદ્દે ચર્ચા થશે.
શાંતિ વાર્તાનો દિવસ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ તણાવ વધી રહ્યો છે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ આ સંદર્ભે નિવેદન આપી રહ્યા છે, જ્યારે રશિયાના પ્રમુખ પુતિન આ મામલે મૌન ધારણ કરી બેઠા છે. જેના લીધે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની બેચેની વધી રહી છે કે, રશિયા આ બેઠકમાં કેવુ વલણ રજૂ કરશે?
બે મિનિટમાં ખબર પડી જશે કે...
વ્હાઈટ હાઉસ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે આ મુલાકાતને એક ફીલ-આઉટ મીટિંગ ગણાવી છે. જેમાં સમજાવટ, સોદાબાજી અથવા નિરાશા હાથ લાગી શકે છે. આ બેઠકમાં સારા-નરસા બંને પાસાંઓને ધ્યાનમાં રાખવામાં આવશે. આ બેઠકમાં યુદ્ધવિરામની અપેક્ષા પણ છે, અને અમુક આકરી શરતો મૂકવાની ભીતિ પણ. યુક્રેન સાથે યુદ્ધનો અંત લાવવા માટે કોઈ ડીલ શક્ય છે કે નહીં તેની સ્પષ્ટતા થશે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે, મને બેઠકની પ્રથમ બે મિનિટમાં જ ખબર પડી જશે કે, કોઈ ડીલ થઈ શકશે કે નહીં.
યુક્રેનના લોકોના જીવ અધ્ધર...
અમેરિકાના અલાસ્કામાં યોજાનારા ટ્રમ્પ-પુતિન શિખર સંમેલનમાં ડોનબાસની જમીનના બદલે યુદ્ધવિરામની વાત થવાની અટકળો છે. જેથી યુક્રેનના લોકોના શ્વાસ તાળવે ચોંટ્યા છે. તેઓને ભય છે કે, રશિયા યુક્રેનનો મોટો વિસ્તાર કબજે લઈ યુદ્ધવિરામ માટે માની શકે છે. સ્થાનિક લોકોથી માંડી પત્રકારોને પણ ભય છે કે, તેમનું શહેર રશિયાનો એક ભાગ બની શકે છે. નાટોના રાજદૂતે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ શિખર સંમેલનમાં યુક્રેન પર દબાણની વાતો થઈ શકે છે. અમેરિકાના પ્રમુખ સાથેની મુલાકાતમાં રશિયા પર કોઈ દબાણ નથી.
આ પણ વાંચોઃ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના
ઝેલેન્સ્કીએ બેચેની વધારી
યુરોપિયન નેતાઓ અને યુક્રેને આ બેઠક મામલે વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે, તેઓ ઈચ્છે છે કે, આ બેઠકમાં જ્યાં સુધી સંભવ હોય, ત્યાં સુધી યુક્રેનને સામેલ કરવામાં આવે. ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિત અન્ય યુરોપિયન પ્રમુખોએ સંયુક્ત નિવેદન આપ્યું છે કે, શાંતિનો માર્ગ માત્ર યુક્રેનની ભૂમિકા સાથે જ સંભવિત છે. જે આંતરરાષ્ટ્રીય સરહદોના બળના આધારે શક્ય નથી. યુક્રેનની ગેરહાજરી કોઈપણ કરારને મૃત ગણવાની ધમકી છે. યુક્રેન કહે છે કે, તે પોતે પોતાનું ભવિષ્ય નિર્ધારિત કરશે.
શું કહે છે નિષ્ણાતો?
નિષ્ણાતોનું માનવુ છે કે, આ બેઠક રશિયાને વૈશ્વિક મંચ પર માન્યતા આપવા સમાન છે. જ્યારે યુરોપિયન સુરક્ષા અને યુક્રેનના વર્ચસ્વ પર જોખમ સમાન છે. જો યુદ્ધવિરામના કરારને દબાણ અને ધાક-ધમકી પર સહમતિ આપવામાં આવી તો તે યુક્રેન અને યુરોપ માટે વિનાશકારી સાબિત થશે. તમામની નજર ટ્રમ્પ અને પુતિનની બેઠકમાં યુક્રેન માટે કેટલા પારદર્શી નિર્ણયો લેવાઈ શકે, તેના પર છે.