Get The App

ભારતને ઝટકો, રશિયાએ પાકિસ્તાન સાથે કરી અબજો રૂપિયાની ડીલ, GDPને થશે મોટો ફાયદો

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
ભારતને ઝટકો, રશિયાએ પાકિસ્તાન સાથે કરી અબજો રૂપિયાની ડીલ, GDPને થશે મોટો ફાયદો 1 - image


Pakistan-Russia Sign Deal to Revive Pakistan Steel Mills:  રશિયાએ આખરે પાકિસ્તાન સાથે એક મહત્ત્વપૂર્ણ વેપાર કરાર કરી લીધો છે. ઘણા મહિનાઓથી આ અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે શુક્રવારે પાકિસ્તાન અને રશિયાએ સંયુક્ત રીતે આ કરારની જાહેરાત કરી છે, જે હેઠળ કરાચીમાં એક અત્યાધુનિક સ્ટીલ મિલની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટને બંને દેશો વચ્ચે આર્થિક અને ઔદ્યોગિક સહયોગના એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ડીલથી પાકિસ્તાનના અર્થતંત્રને અબજો રૂપિયાનો ફાયદો થવાની અપેક્ષા છે, આ સાથે જ આ ડીલ ઔદ્યોગિક વિકાસ અને રોજગાર સર્જનમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

આ ડીલ શુક્રવારે મોસ્કોમાં પાકિસ્તાન દૂતાવાસમાં આયોજિત એક સમારોહમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રાલયના સચિવ સૈફ અંજુમ અને રશિયાના ઔદ્યોગિક એન્જિનિયરિંગ એલએલસીના ડિરેક્ટર જનરલ વાદિમ વેલિચકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. આ અવસર પર પાકિસ્તાનના પીએમના ખાસ સહાયક હારૂન અખ્તર ખાન અને રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મુહમ્મદ ખાલિદ જમાલી પણ હાજર હતા.

શું છે રશિયા-પાકિસ્તાનની ડીલ?

એક અહેવાલ પ્રમાણે રશિયાએ પહેલીવાર સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેણે કરાચીમાં નવી સ્ટીલ મિલ સ્થાપવા માટે પાકિસ્તાન સાથે કરારને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ પ્રોજેક્ટ પાકિસ્તાન સ્ટીલ મિલ્સ (PSM) ના પુનઃસ્થાપન અને આધુનિકીકરણનો એક હિસ્સો છે, જે લાંબા સમયથી આર્થિક અને વ્યવસ્થાપક પડકારોનો સામનો કરી રહી છે. એક નિવેદનમાં પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારી હારૂન અખ્તર ખાને જણાવ્યું કે, રશિયા સાથેનો આ કરાર પાકિસ્તાન સ્ટીલ મિલ્સની પ્રગતિ અને ઔદ્યોગિક ભવિષ્ય માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટથી ન માત્ર ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થશે, પરંતુ હજારો લોકો માટે નવી રોજગારીની તકો પણ ઉભી થશે.'

આ ડીલ હેઠળ PSMને ફરી ઊભી કરવામાં તો આવશે જ, પરંતુ આ સાથે જ કરાચીમાં 700 એકર જમીન પર એક નવો અત્યાધુનિક સ્ટીલ પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રશિયાની અદ્યતન સ્ટીલ નિર્માણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી પાકિસ્તાનની સ્ટીલ આયાત પરની નિર્ભરતા 30% ઓછી થવાની અપેક્ષા છે. પાકિસ્તાન દર વર્ષે લગભગ 2.7 બિલિયન ડોલરના સ્ટીલ અને લોખંડની આયાત કરે છે, અને દેશમાં સ્ટીલની માંગ અને પુરવઠા વચ્ચે 3.1 મિલિયન ટનનું અંતર છે. આ નવા પ્લાન્ટથી આયાત બિલમાં તો ઘટાડો આવશે જ, પરંતુ આ સાથે જ સ્થાનિક રોજગારની તકોમાં પણ વધારો થશે. 

પાકિસ્તાનની GDPને થશે મોટો ફાયદો

આ ડીલની અંદાજિત કિંમત 2.6 બિલિયન ડોલર (લગભગ રૂ. 22,000 કરોડ) છે, જે પાકિસ્તાનની એર્થવ્યવસ્થામાં એક મોટું રોકાણ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે સ્ટીલ ઉત્પાદનમાં તો વધારો થશે જ, પરંતુ તે નિકાસ ક્ષમતામાં પણ વધારો કરશે, જેનાથી વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થશે. નિષ્ણાતોનું માનવું છે કે, આ ડીલ લાંબા ગાળે પાકિસ્તાનના GDPને અબજો રૂપિયાનો ફાયદો કરાવી શકે છે.

આ પણ વાંચો: 'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્ર સરકારનું મોટું નિવેદન

આ ઉપરાંત નવી સ્ટીલ મિલના નિર્માણ અને સંચાલનથી હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ખાસ કરીને કરાચી જેવા ઔદ્યોગિક કેન્દ્રમાં આ પ્રોજેક્ટ સ્થાનિક યુવાનો અને તકનીકી નિષ્ણાતો માટે નવી તકો લાવશે. તેનાથી સ્થાનિક અર્થતંત્રને તો વેગ મળશે જ, પરંતુ આ સાથે-સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં તકનીકી ઈનોવેશનને પણ પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત આ ડીલ પાકિસ્તાન અને રશિયા વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો એક ભાગ છે. બંને દેશો તાજેતરના વર્ષોમાં ઉર્જા ક્ષેત્રમાં પણ સહયોગ વધારી રહ્યા છે, જેમાં પાકિસ્તાન સ્ટ્રીમ ગેસ પાઈપલાઇન અને 2023માં શરૂ થયેલી ક્રૂડ ઓઈલ સપ્લાય પણ સામેલ છે. 

રશિયા-પાકિસ્તાન સબંધોમાં નવો વળાંક

પાકિસ્તાન સ્ટીલ મિલ્સની સ્થાપના 1973માં તત્કાલીન સોવિયેત સંઘના સહયોગથી થઈ હતી અને તે એક સમયે દેશનું સૌથી મોટું ઔદ્યોગિક પરિસર હતું. આ મિલ 1985માં શરૂ થઈ હતી પરંતુ નાણાકીય ગેરવહીવટ, માળખાગત સુવિધાઓનો અભાવ અને અન્ય વહીવટી સમસ્યાઓના કારણે 2015માં સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.

આ તાજેતરની ડીલ રશિયા અને પાકિસ્તાન વચ્ચે વધતા રાજદ્વારી અને આર્થિક સંબંધોનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. તાજેતરના વર્ષોમાં બંને દેશોએ વેપાર, સંરક્ષણ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ઘણા પગલાં ભર્યા છે. રશિયાના નાયબ વડાપ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે, પાકિસ્તાન રશિયાનું એક સ્વાભાવિક સહયોગી છે અને બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. 

ભારત સાથે તણાવ વચ્ચે કરી ડીલ

આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે પ્રાદેશિક ભૂરાજનીતિ ઝડપથી બદલાઈ રહી છે. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ત્યારબાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. આ સંદર્ભમાં કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે રશિયાના આ પગલાથી ભારત સાથેના તેના પરંપરાગત સંબંધો પર અસર પડી શકે છે. જો કે, રશિયાએ અગાઉ આવા અહેવાલોને નકારી કાઢ્યા છે જે તેને ભારત સાથેના તેના સંબંધોને નબળા પાડવાના રૂપમાં જુએ છે.

પડકારો પણ ઓછા નથી

આ ડીલ પાકિસ્તાન માટે આશાસ્પદ હોવા છતાં, નિષ્ણાતોએ કેટલાક પડકારો તરફ ધ્યાન દોર્યું છે. પાકિસ્તાન સ્ટીલ મિલ્સમાં મેનેજમેન્ટની બિનકાર્યક્ષમતા અને નાણાકીય નુકસાનનો ઇતિહાસ છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પારદર્શક સંચાલન, તકનીકી કુશળતા અને સતત રોકાણની જરૂર પડશે. તેમ છતાં અધિકારીઓનો ટાર્ગેટ બે વર્ષમાં પ્લાન્ટ ચાલુ કરવાનો છે. પાકિસ્તાન સરકારે નવા પ્લાન્ટ માટે પીએસએમની 19,000 એકર જમીનમાંથી 700 એકર જમીન અને ઔદ્યોગિક પાર્ક માટે વધારાની જમીન ફાળવી છે. તેના માટે નાણાકીય વ્યવસ્થા ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને પીએસએમની સંપત્તિના પુનઃઉપયોગથી કરવામાં આવશે.

Tags :