'ભારત સાથે દરેક મુદ્દે વાતચીત માટે તૈયાર પણ...', પાકિસ્તાનના મંત્રીએ ઈશાક ડારે મૂકી શરત
India-Pakistan Relations: ભારત વૈશ્વિક સ્તરે સતત પોતાની તાકાત વધારી રહ્યું છે. જાપાન સાથે સેમિકન્ડક્ટર અને બુલેટ ટ્રેન ભાગીદારી, ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)સમિટમાં મહત્ત્વપૂર્ણ હાજરી અને રશિયા સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધો, ભારતની વિશ્વસનીયતા બધે વધી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનનો સ્વર બદલાઈ ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે 'અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ.આ વાતચીત 'ગૌરવપૂર્ણ અને આદરપૂર્ણ' રીતે થવી જોઈએ.'
'પાકિસ્તાન માટે ભીખ માંગશે નહીં'
શુક્રવારે (29મી ઓગસ્ટ) મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું કે, 'પાકિસ્તાન વાતચીત માટે ભીખ માંગશે નહીં, અમે જમ્મુ અને કાશ્મીર વિવાદ સહિત તમામ પડતર મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ.' નોંધનીય છે કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે ફક્ત પીઓકે અને આતંકવાદના મુદ્દા પર જ પાકિસ્તાન સાથે વાત કરશે. વર્ષ 2003માં શરૂ થયેલા સંયુક્ત સંવાદ 2008ના મુંબઈ હુમલા પછી પાટા પરથી ઉતરી ગયો હતો અને ક્યારેય સંપૂર્ણ રીતે ફરી શરૂ થયો ન હતો. આ સંવાદમાં આઠ કમ્પોનેન્ટ હતા, જેમાં બંને દેશો વચ્ચેના તમામ વિવાદાસ્પદ મુદ્દાઓનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચો: ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો
તાજેતરનો સંઘર્ષ અને પાકિસ્તાનનો દાવો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષનો ઉલ્લેખ કરતા ઈશાક ડારે કહ્યું કે, 'પાકિસ્તાનના દૃષ્ટિકોણને તેની સક્રિય રાજદ્વારીને કારણે વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવ્યો છે. બંને દેશો ચાર દિવસના ડ્રોન અને મિસાઇલ હુમલા પછી 10મી મેના રોજ સંઘર્ષનો અંત લાવવા સંમત થયા હતા.'
દાવો કરતા ઈશાક ડારે કહ્યું કે, 'પાકિસ્તાની સેનાએ ભારત સાથેના સંઘર્ષમાં હવાઈ અને જમીન પર પોતાની તાકાત સાબિત કરી છે. પાકિસ્તાન કોઈપણ ઉશ્કેરણીનો સંપૂર્ણ જવાબ આપવા તૈયાર છે. જો ભારત સમુદ્ર દ્વારા પણ કોઈ આક્રમણ કરે છે, તો પાકિસ્તાન સંપૂર્ણ તાકાતથી જવાબ આપવા તૈયાર છે.'