ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો
Japan Deal With India | પીએમ નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પ્રવાસે છે. ભારત અને જાપાને મૂન મિશનને આગળ વધારવા માટે સંયુક્ત રીતે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 'ચંદ્રયાન-5' મોકલવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ISRO અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) વચ્ચે કરવામાં આવ્યો છે જેમાં JAXA ના ઉપપ્રમુખ માત્સુરા માયુમી અને જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જ હાજર હતા.
કેવો હશે મિશન અને કોની કેવી ભૂમિકા?
ચંદ્રયાન-5 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં કાયમી અંધારાવાળા પ્રદેશ (PSR) ની આસપાસના વિસ્તારમાં ચંદ્રના પાણી સહિત અસ્થિર પદાર્થો અંગે અભ્યાસ કરવાનો છે. આ મિશન JAXA દ્વારા તેના H3-24L લોન્ચ વાહનથી લોન્ચ કરવામાં આવશે, જેમાં ISRO દ્વારા નિર્મિત મૂન લેન્ડરનો ઉપયોગ કરાશે, જે જાપાન દ્વારા નિર્મિત મૂન રોવરને સાથે લઈ જશે. ISRO મૂન લેન્ડરના વિકાસ ઉપરાંત, ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં હાજર અસ્થિર પદાર્થોના સંશોધન અને વિશ્લેષણ માટે કેટલાક વૈજ્ઞાનિક સાધનો વિકસાવશે.
પીએમ મોદીએ આપ્યું મોટું નિવેદન
જાપાનની મુલાકાત દરમિયાન 'ધ યોમિયુરી શિમ્બુન' ને આપેલા ઇન્ટરવ્યુમાં, પીએમ મોદીએ કહ્યું, "મને ખુશી છે કે ભારત અને જાપાન ચંદ્રયાન શ્રેણી અથવા LUPEX (લુનર પોલર એક્સપ્લોરેશન) મિશનના આગામી સંસ્કરણ માટે હાથ મિલાવી રહ્યા છે. આ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કાયમી રીતે અંધારાવાળા પ્રદેશો વિશેની આપણી સમજને વધુ ગાઢ બનાવશે." મને વિશ્વાસ છે કે ભારત અને જાપાનની વૈજ્ઞાનિક ટીમો અવકાશ વિજ્ઞાનની સીમાઓને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરશે.