પાકિસ્તાને યુએનમાં નુપુર શર્માના નિવેદનનો મુદ્દો ઉછાળ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હી,તા.21 જૂન 2022,મંગળવાર
ભાજપા સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માએ મહોમંદ પયંગબર પર કરેલી વાંધાજનક ટિપ્પણીના નામે પાકિસ્તાને ભારતને યુએનમા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો પણ ભારતે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી હતી.
પાકિસ્તાને ઈસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીના બહાને નુપુર શર્માનો મુદ્દો ઉઠાવ્યો તો ભારતે કહ્યુ હતુ કે, અમારા દેશમાં સહિષ્ણુતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાથે સાથે ધાર્મિક અપમાનના મામલામાં કાયદાકીય માળખામાં રહીને કાર્યવાહી થતી હોય છે.
ભારતના રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ કહ્યુ હતુ કે, અમે બહારથી થતા સિલેક્ટિવ વિરોધને ફગાવી રહ્યા છે. આ પ્રકારનો વિરોધ ઓઆઈસી અને પાકિસ્તાન દ્વારા ભારતમાં વિભાજનકારી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે જ થતો હોય છે. ભારતમાં તમામ ધર્મો અને સંસ્કૃતિનુ બંધારણના દાયરામાં રહીને સન્માન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત મુનીર અકરમે નુપુર શર્માના નિવેદનનો મુદ્દો ઉભો કર્યો હતો. જોકે ભારતે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી હતી.