Get The App

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સાઉદી પણ તેમાં ઝંપલાવશે, મંત્રી ખ્વાજા આસિફનો દાવો

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સાઉદી પણ તેમાં ઝંપલાવશે, મંત્રી ખ્વાજા આસિફનો દાવો 1 - image


Pakistan Provide Nuclear Program to Saudi Arab: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે જો જરૂર પડશે તો તેમનો પરમાણુ કાર્યક્રમ સાઉદી અરબને ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરાર હેઠળ આ વાત કહેવામાં આવી છે. ઇસ્લામાબાદે પહેલીવાર સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે તેણે પોતાની પરમાણુ ક્ષમતાઓ સાઉદી અરબ સુધી લંબાવી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ગુરુવારે મોડી રાત્રે એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન આ સપ્તાહે પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા સંરક્ષણ કરારના મહત્ત્વને દર્શાવે છે. નોંધનીય છે કે, બંને દેશો વચ્ચે ઘણા દાયકાઓથી મજબૂત સૈન્ય સંબંધો રહ્યા છે. આ સાથે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિશેના સવાલનો જવાબ આપ્યો છે. 

યુદ્ધ થાય તો સાઉદી પાક.ને આપશે સાથ 

પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેના સંરક્ષણ સોદા અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેમાં પરમાણુ ટેકનોલોજી ટ્રાન્સફરથી લઈને ઇઝરાયલી હુમલા અને ભારત-પાકિસ્તાન યુદ્ધનો સમાવેશ થાય છે. આ દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો સાઉદી અરેબ પણ તેમાં સામેલ થશે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે જો ભારત તેના પાડોશી દેશ સામે યુદ્ધ જાહેર કરશે તો સાઉદી અરબ પાકિસ્તાનનો બચાવ કરશે. એક પ્રશ્નના જવાબમાં ખ્વાજા આસિફે કહ્યુ કે, "હા, બિલકુલ. તેમાં કોઈ શંકા નથી."


ખાડીમાં ફેલાયેલો ઇઝરાયલનો ડર

વિશ્લેષકો માને છે કે આ પગલું ઇઝરાયલને સ્પષ્ટ સંદેશ આપવા માટે ભરવામાં આવ્યું છે. ઇઝરાયલને ઘણા સમયથી મધ્યપૂર્વનો એકમાત્ર એવો દેશ ગણવામાં આવે છે જેની પાસે પરમાણુ હથિયારો છે. આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ગયા અઠવાડિયે ઇઝરાયલે કતારમાં હમાસના નેતાઓ પર હુમલો કર્યો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી, ખાડીના અરબ દેશોમાં પોતાની સુરક્ષા વિશે નવી ચિંતાઓ ઊભી થઈ છે. આ બધાની વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધારી દીધી છે.

ખ્વાજા આસિફે શું કહ્યું?

પાકિસ્તાની ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આસિફને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, 'શું પાકિસ્તાનને પરમાણુ હથિયારોથી મળતી તાકાત અને ડરાવવાની ક્ષમતા સાઉદી અરબને પણ મળશે? તેના પર આસિફે જવાબ આપ્યો, “હું પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા વિશે એક વાત સ્પષ્ટ કરી દઉં. આ ક્ષમતા અમે ઘણા સમય પહેલા જ મેળવી લીધી હતી, જ્યારે અમે પરીક્ષણો કર્યા હતા. ત્યારથી અમારી સેનાઓ યુદ્ધના મેદાન માટે પ્રશિક્ષિત છે.' ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે, 'જે અમારી પાસે છે અને જે ક્ષમતાઓ અમે બનાવી છે, તે (સાઉદી અરબ)ને આ કરાર હેઠળ ઉપલબ્ધ કરાવાશે.' 

પાકિસ્તાન-સાઉદી અરબ સંરક્ષણ કરાર: હુમલો એટલે બંને પર હુમલો

બંને દેશોએ બુધવારે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ એક દેશ પર હુમલો, બંને પર હુમલો ગણાશે. જોકે, અત્યાર સુધી પાકિસ્તાન કે સાઉદી અરબે આ કરાર પર સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી કે તેનો પાકિસ્તાનના પરમાણુ હથિયારો સુધી પહોંચ સાથે શું સંબંધ છે.

સાઉદીના પૈસાથી ચાલ્યો પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ

સાઉદી અરબનો પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે લાંબા સમયથી સંબંધ મનાય છે. પાકિસ્તાનના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ ફિરોઝ હસન ખાને કહ્યું હતું કે, 'સાઉદી અરબે પાકિસ્તાનને ખુલ્લા હાથે નાણાકીય મદદ કરી હતી, જેના કારણે પરમાણુ કાર્યક્રમ ચાલુ રહી શક્યો, ખાસ કરીને તે સમયે જ્યારે દેશ પર પ્રતિબંધો લાગેલા હતા.'

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ' લોન્ચ કર્યું, અમેરિકાના કાયમી રહેવાશી બનવા જાણો શું રાખી 'શરત'

પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકાના પ્રતિબંધો

પાકિસ્તાને પરમાણુ બોમ્બ બનાવવાની કોશિશોને લઈને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો. અહીં સુધી કે બાઇડેન પ્રશાસનના છેલ્લા દિવસોમાં તેની મિસાઈલ પરિયોજના પર પણ નવા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા.

પાકિસ્તાને પોતાનો પરમાણુ હથિયાર કાર્યક્રમ ભારતના પરમાણુ બોમ્બના જવાબમાં વિકસાવ્યો હતો. અમેરિકન મેગેઝિન બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ અનુસાર, ભારત પાસે અંદાજિત 172 અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયાર છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સાઉદી પણ તેમાં ઝંપલાવશે, મંત્રી ખ્વાજા આસિફનો દાવો 2 - image

Tags :