ડોનાલ્ડ ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ' લોન્ચ કર્યું, અમેરિકાના કાયમી રહેવાશી બનવા જાણો શું રાખી 'શરત'
America Visa: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ' વિઝા કાર્યક્રમ માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમ હેઠળ જેમને અમેરિકામાં કાયમી રહેવાશી બનવાનો અધિકાર જોઇતો હોય એવા લોકો માટે એક મિલિયન ડૉલર અને કોર્પોરેશન કે બિઝનેસ એમ્પાયર હોય તો તેના માટે બે મિલિયન ડૉલર ફી નક્કી કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે 'આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહેશે અને અબજો ડૉલરનું એકત્ર થશે. આનાથી ટેક્સ ઘટાડશે, દેવું ચૂકવશે અને અન્ય ફાયદા થશે.' ટ્રમ્પના આ ગોલ્ડકાર્ડ ધારકને EB-1 અથવા EB-2 વિઝા ધારક તરીકે અમેરિકામાં કાયમી રહેવાસનો અધિકાર મળશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા આ માહિતીની પુષ્ટી કરવામાં આવી છે. આ ગોલ્ડ કાર્ડનો ફાયદો એવા જ અરજદારોને મળશે જે કાયદેસર રીતે કાયમી રહેવાશ માટે લાયકાત ધરાવતો હશે, અમેરિકા માટે સ્વીકાર્ય હશે અને તેની પાસે વિઝા પણ હોવા જોઈએ.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને લખ્યું, 'આજે અમને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરતા ગર્વ થાય છે. આ કાર્ડ વ્યક્તિઓ માટે 1 મિલિયન ડૉલર અને કોર્પોરેશનો માટે બે મિલિયન ડૉલરમાં ઉપલબ્ધ થશે. ઘણાં લાંબા સમયથી લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ આપણા દેશમાં પ્રવેશી ચૂક્યા છે, અને આપણી ઈમિગ્રેશન સિસ્ટમ તૂટી ગઈ છે. હવે સમય આવી ગયો છે કે અમેરિકાના લોકો અને અમેરિકન કરદાતાઓ આપણી કાનૂની ઈમિગ્રેશન સિસ્ટમનો લાભ મેળવે. અમને અપેક્ષા છે કે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ ઝડપથી 100 બિલિયન ડૉલરથી વધુ એકત્ર કરશે. આ નાણાંનો ઉપયોગ કર ઘટાડવા, વિકાસ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા અને આપણા દેવાની ચૂકવણી કરવા માટે કરવામાં આવશે.'
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા નિયમ બદલ્યાં, નવા અરજદારો પાસેથી 88 લાખ રૂપિયા ફી વસૂલાશે
ગ્રીન કાર્ડ હેઠળ 281000 લોકોને પ્રવેશ અપાયો હતો
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે, 'રોજગાર આધારિત ગ્રીન કાર્ડ કાર્યક્રમ અગાઉ દર વર્ષે 281,000 લોકોને પ્રવેશ આપતો હતો. આ લોકોની સરેરાશ આવક 66,000 ડૉલર હતી અને તે સરકારી સહાય કાર્યક્રમો પર પાંચ ગણા વધુ આધાર રાખતા હતા. આનો અર્થ એ થયો કે યુએસ નીચલા સ્તરના કામદારોને સ્વીકારી રહ્યું હતું. હવે એવું રહેશે નહીં. ફક્ત અપવાદરૂપ અને ઉચ્ચ સ્તરના વ્યક્તિઓ જ આવશે, જે અમેરિકાના લોકો પાસેથી નોકરીઓ છીનવી લેશે નહીં. આ વ્યક્તિઓ વ્યવસાયો બનાવશે અને નોકરીઓનું સર્જન કરશે. આ કાર્યક્રમ યુએસ ટ્રેઝરી માટે 100 બિલિયન ડૉલરથી વધુનું ઉત્પાદન કરશે.'
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ કોના માટે છે?
વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે જણાવ્યું હતું કે, 'જ્યારે વહીવટીતંત્રનું પ્રાથમિક ધ્યાન ઈમિગ્રેશન નીતિમાં ફેરફાર, સરહદો બંધ કરવા અને ગેરકાયદે ઈમિગ્રેશનને રોકવા પર રહ્યું છે, ત્યારે આ આદેશ અસાધારણ પ્રતિભા માટે એક નવો માર્ગ ખોલે છે. ગોલ્ડ કાર્ડ વિઝા એવા વિદેશીઓ માટે છે જેઓ અમેરિકાને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. વ્યક્તિઓ માટે એક મિલિયન ડૉલર અથવા કોર્પોરેશનો માટે બે મિલિયન ડૉલર ચુકવણી છે.