| (IMAGE - IANS) |
Pakistan News: આર્થિક રીતે પાયમાલ થઈ રહેલા પાકિસ્તાન માટે કુદરતી સંસાધનોની આ શોધ સંજીવની સમાન સાબિત થઈ શકે છે. પાકિસ્તાની એજન્સીઓના જણાવ્યા અનુસાર, ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લાના નશપા બ્લોકમાં તેલ અને ગેસનો વિપુલ ભંડાર મળી આવ્યો છે.
રોજના 4100 બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થશે
પાકિસ્તાનની 'ઓઈલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ'(OGDCL) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નવી શોધાયેલી સાઇટ પરથી ઉત્પાદનની ક્ષમતા આશાસ્પદ છે. કંપનીના અંદાજ મુજબ, આ નવા ભંડારમાંથી દરરોજ અંદાજે 4100 બેરલ ક્રૂડ ઓઇલ મેળવી શકાશે, જે દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે. ક્રૂડ ઓઇલની સાથે જ ગેસના ઉત્પાદનમાં પણ મોટો વધારો થવાની ધારણા છે, જેમાં દરરોજ 10.5 મિલિયન ક્યુબિક ફીટ ગેસનું ઉત્પાદન થઈ શકશે. આ જથ્થો પાકિસ્તાન માટે તેની આયાત નિર્ભરતા ઘટાડવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
શાહબાઝ શરીફે ગણાવી મોટી સફળતા
પેટ્રોલિયમ સેક્ટરની હાઈ લેવલ મીટિંગમાં પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે, 'સ્થાનિક સ્તરે આ શોધથી આપણું વિદેશી મુદ્રા ભંડાર મજબૂત થશે. ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત પર અમારે જે જંગી ખર્ચ કરવો પડે છે તેમાં મોટો ઘટાડો થશે. સરકારનો લક્ષ્ય જૂન 2026 સુધીમાં 3.5 લાખ નવા ગેસ કનેક્શન પૂરા પાડવાનો છે.'
ક્રૂડ ઓઇલ-ગેસની શોધ છતાં ખૈબર અને બલૂચિસ્તાનમાં ઉગ્ર અસંતોષ
ક્રૂડ ઓઇલ અને ગેસની આ મહત્ત્વપૂર્ણ શોધ છતાં ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનના સ્થાનિક લોકોમાં પાકિસ્તાન સરકાર પ્રત્યે ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો મુખ્ય આરોપ છે કે કેન્દ્ર સરકાર તેમના પ્રાંતના કુદરતી સંસાધનોનો ઉપયોગ તો કરે છે, પરંતુ તેનાથી થતો નફો કે આવક સ્થાનિક વિકાસ પાછળ ખર્ચવાને બદલે અન્યત્ર વાપરવામાં આવે છે, જેને તેઓ 'સંસાધનોની લૂંટ' ગણાવે છે.
આ પણ વાંચો: કતારમાં ફાંસીની સજાથી બચી ગયેલા ભારતીય નેવી ઓફિસરની ફરી ધરપકડ, બહેને માગી PM મોદીની મદદ
વધતો આંતરિક વિખવાદ
આ ઉપરાંત, પાકિસ્તાનની સેના, રાજકારણ અને વહીવટીતંત્રમાં પંજાબી સમુદાયના વર્ચસ્વને કારણે ખૈબર અને બલૂચિસ્તાન જેવા વિસ્તારો આજે પણ આર્થિક રીતે પછાત રહ્યા છે. કુદરતી સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં આ પ્રાંતોમાં ગરીબી અને પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે, જે લાંબા ગાળે પંજાબ વિરોધી માનસિકતા અને અન્યાયની લાગણીને વધુ પ્રબળ બનાવી રહ્યો છે.


