Get The App

કતારમાં ફાંસીની સજાથી બચી ગયેલા ભારતીય નેવી ઓફિસરની ફરી ધરપકડ, બહેને માગી PM મોદીની મદદ

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
Navy Officer Purnendu Tiwary Arrested In Qatar


(IMAGE - x.com/DrMeetuBhargava)

Navy Officer Purnendu Tiwary Arrested In Qatar: ભારતીય નેવીના નિવૃત્ત અધિકારી પૂર્ણેન્દુ તિવારીના પરિવાર પર ફરી એકવાર મુસીબત આવી પડી છે. વર્ષ 2022માં કતારમાં જે 8 પૂર્વ નેવીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમાં પૂર્ણેન્દુ તિવારી પણ સામેલ હતા. જોકે, અન્ય 7 અધિકારીઓ સજા માફ થયા બાદ ભારત પરત ફર્યા હતા, પરંતુ પૂર્ણેન્દુ તિવારી કતારમાં જ રોકાઈ ગયા હતા. હવે સમાચાર છે કે તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે.

બહેન ડૉ. મીતુ ભાર્ગવની પીએમ મોદીને કરી અપીલ

ગ્વાલિયરના રહેવાસી પૂર્ણેન્દુ તિવારીના બહેન ડૉ. મીતુ ભાર્ગવે 'x' પર એક પોસ્ટ કરીને પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, 'મેં અગાઉ પણ મારા ટ્વીટ્સમાં સ્પષ્ટ કર્યું છે કે મારા ભાઈ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીને કંપનીની નાણાકીય અનિયમિતતાઓ સાથે કોઈ લેવા-દેવા નથી. કંપનીના નાણાકીય વ્યવહારો અને કરારની જવાબદારીઓ માટે માત્ર અને માત્ર કંપનીના માલિક જ જવાબદાર હોય છે, તેથી કોઈપણ નાણાકીય ગેરરીતિ માટે માલિકને જ જવાબદાર ઠેરવવા જોઈએ. આટલી સ્પષ્ટતા છતાં, મારા ભાઈ કોઈ પણ વાંક વગર છેલ્લા એક મહિનાથી જેલમાં છે. કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીના બહેન તરીકે હું ફરી એકવાર પીએમ મોદી અને વિદેશ મંત્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે, મહેરબાની કરીને આ બાબતમાં દખલગીરી કરો. મારા ભાઈને પરત લાવવાઅમારી મદદ કરો.'

મોતની સજામાંથી માફી મળી, પણ વતન પરત ન ફરી શક્યા

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2022માં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર સંજીવ ગુપ્તા, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશની ધરપકડ કરવામાં આવી હતી . દરેક અધિકારીઓનો ભારતીય નેવીમાં 20 વર્ષ સુધીનો વિશિષ્ટ સેવા રેકોર્ડ છે. તેમજ તેમને સૈનિકોના પ્રશિક્ષણ સહિતના મહત્ત્વપૂર્ણ પદ પર પણ કામ કર્યું છે.  

તેઓ કતારમાં શું કરતા હતા?

આ 8 ભારતીય નાગરિકો એક પ્રાઈવેટ ડિફેન્સ સર્વિસ પ્રોવાઇડર કંપની - દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ માટે કામ કરતા હતા. જે કતારની આર્મી ફોર્સને ટ્રેનિંગ અને અન્ય સેવા આપવાનું કામ કરતી હતી. આ પ્રાઈવેટ કંપની રોયલ ઓમાની એરફોર્સના સેવાનિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ-અજમીની માલિકીની હતી. તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેને નવેમ્બર 2022માં છોડી દેવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર 31 મે, 2022ના રોજ આ કંપની બંધ થઇ ગઈ હતી. જેમાં 75 ભારતીયો ખૂબ જ સંવેદનશીલ પ્રોજેક્ટ(ગુપ્ત વિશેષતાઓ સાથે ઇટાલિયન ટેક્નોલોજી પર આધારિત નાની સબમરીન) પર કામ કરી રહ્યા હતા. જેમાં મોટાભાગે નેવીના ભૂતપૂર્વ ઓફિસર હતા. કંપની બંધ થતા આ બધા ભારતીયોને નોકરીમાંથી કાઢી મુકાયા હતા. 

આ પણ વાંચો: 2025માં વિશ્વમાં 128 પત્રકારોની હત્યા: ગાઝામાં સર્વાધિક મોત, ભારતનો આંકડો ચોંકાવનારો

30 ઓગસ્ટ, 2022ના રોજ કતારની ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા ભારતીય નેવીના ભૂતપૂર્વ કર્મચારીઓની જાસૂસી અને નાણાકીય ગેરરીતિના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કતારની કોર્ટે તેમને મોતની સજા પણ સંભળાવી હતી. જોકે, પીએમ મોદીના અંગત હસ્તક્ષેપ અને રાજદ્વારી પ્રયાસોને કારણે કતાર સરકારે તમામને માફી આપી હતી. ફેબ્રુઆરી 2024માં 7 અધિકારીઓ ભારત પરત ફર્યા હતા, પરંતુ પૂર્ણેન્દુ તિવારી સામે કતારમાં હજુ પણ નાણાકીય તપાસ ચાલી રહી હોવાથી તેઓ પરત ફરી શક્યા નહોતા. હવે તેમની ફરીથી ધરપકડ થતા મામલો ગૂંચવાયો છે. પરિવારનું કહેવું છે કે પૂર્ણેન્દુ તિવારી નિર્દોષ છે અને તેઓ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ત્યાં કામ કરી રહ્યા હતા.

કતારમાં ફાંસીની સજાથી બચી ગયેલા ભારતીય નેવી ઓફિસરની ફરી ધરપકડ, બહેને માગી PM મોદીની મદદ 2 - image