કુલભૂષણ જાધવ કેસ: ICJના નિર્ણય પર પાકિસ્તાનનો નવો ખેલ, પિતાને આપી મળવાની મંજૂરી
- જાધવનો હવાલો આપીને તેમણે રિવ્યુ પિટિશન દાખલ કરવા મનાઈ કરી હોવાનો દાવો કર્યો અને દયા અરજી આગળ લઈ જવા જણાવ્યું
ઈસ્લામાબાદ, તા. 8 જુલાઈ 2020, બુધવાર
પાકિસ્તાને પોતાની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે ભારતના બીજા કાઉન્સિલર એક્સેસને આમંત્રણ આપ્યું છે. આ સાથે જ પાકિસ્તાને કુલભૂષણના પિતાને પણ પોતાના દીકરાને મળવાની મંજૂરી આપી છે. સાથે જ પાકિસ્તાને દાવો કર્યો છે કે, જાધવે રિવ્યુ પિટિશન દાખલ કરવાની મનાઈ કરી છે અને તેઓ પોતાની દયા અરજી આગળ લઈ જવામાં આવે તેમ ઈચ્છે છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના એક અધિકારી જાહિદ હાફિજ ચૌધરીએ બુધવારે જણાવ્યું કે, '17મી જૂનના રોજ જાધવને પુનર્વિચાર અરજી દાખલ કરવા બોલાવવામાં આવ્યો હતો પરંતુ તેમણે આવવાની મનાઈ કરી દીધેલી. સાથે જ તેમણે પોતાની દયા અરજીને આગળ વધારવામાં આવે તે માટે જોર આપ્યું હતું.'
અગાઉ પાકિસ્તાને કહ્યું હતું કે, તે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ના નિર્ણયના પરિપ્રેક્ષ્યમાં કુલભૂષણ જાધવ કેસની સમીક્ષા સુનિશ્ચિત કરવા પગલાં ભરી રહ્યું છે. હેગ ખાતેની ICJએ ગત વર્ષે જુલાઈ મહીનામાં ચુકાદો આપ્યો હતો કે, પાકિસ્તાને જાધવની દોષસિદ્ધિ અને સજાની પ્રભાવી સમીક્ષા અને ફેરવિચારણા કરવી જોઈએ.
સાથે જ પાકિસ્તાનને તે જાધવને ઈમીડિયેટ ડિપ્લોમેટિક એક્સેસ ઉપલબ્ધ કરાવે તેમ પણ કહ્યું હતું. ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત અધિકારી 49 વર્ષીય જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપસર મૃત્યુની સજા સંભળાવી હતી.
ત્યાર બાદ ભારતે આઈસીજેનો સંપર્ક કરીને જાધવની સજા અને ડિપ્લોમેટિક એક્સેસની મંજૂરી ન આપવાના પાકિસ્તાનના નિર્ણયને પડકાર્યો હતો. ભારત હંમેશાથી કહેતું આવ્યું છે કે, જાધવનું ઈરાન ખાતેથી અપહરણ કરવામાં આવેલું. સેવાનિવૃત્તિ બાદ જાધવ ત્યાં પોતાનો કારોબાર સંભાળતા હતા. પાકિસ્તાન હવે આઈસીજેના નિર્ણયની વિરૂદ્ધ જઈ પુનર્વિચાર અરજી દાખલ જ નથી કરવા દેતું.