પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી કોરોના વાયરસથી સંક્રમિત
ઇસ્લામાબાદ, 3 જુલાઇ 2020 શુક્રવાર
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે અને તેઓ આઇસોલેશનમાં છે. પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (PTI)નાં નેતાએ ટ્વિટર પર લખ્યું કે તેમને આજે સાંજે હળવો તાવ આવ્યો હતો અને તરત જ આઇસોલેશનમાં જતા રહ્યા. પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસો 2,21,000 ને વટાવી ગયા છે અને અહીં 4,500 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
તેમણે ટ્વીટ કર્યું, 'કોવિડ -19 નું નિદાન થયું છે. અલ્લાહનો આભાર હું મજબૂત અને ઉર્જાવાન હોવાનું અનુભવું છું. હું મારું કામ ઘરેથી કરીશ. કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો. ' તો બીજી તરફ કોવિડ -19 નાં વધતા જતા કેસોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને અમેરિકાએ 30 લાખ ડોલરની કિંમતનાં 100 વેન્ટિલેટર આપ્યા છે.
પાકિસ્તાને શુક્રવારે (3 જુલાઈ) એ જણાવ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત 1,13,623 લોકો સાજા થયા છે અને આ આંકડો દેશમાં પ્રથમ વખત સંક્રમણની સારવાર લેતા લોકોની સંખ્યા કરતા વધી ગયો છે. રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલયના જણાવ્યા અનુસાર, "દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ 2,21,896 માંથી અત્યાર સુધીમાં 1,13,623 લોકો સાજા થયા થયા છે." સાજા થનારા લોકોની સંખ્યા કોવિડ -19 ની સારવાર કરાવી રહેલા 1,08,273 દર્દીઓ કરતા વધું છે.