IMF પાકિસ્તાન પર મહેરબાન! કહ્યું - બાહ્ય પડકારો યથાવત્ પણ સુધારા થઇ રહ્યા છે
Image: AI Gemini |
IMF Praised Pakistan Economy Reforms: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાકિસ્તાન પર સતત મહેરબાન થઈ રહ્યું છે. તેણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હોવાના વખાણ કરતાં ફંડિંગના માર્ગ મોકળા કર્યા છે. હાલમાં જ આઈએમએફના પ્રતિનિધિ માહિર બિનિસીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના આર્થિક સુધારાઓની દિશા અત્યારસુધી 'મજબૂત' રહી છે. પાકિસ્તાને હાલમાં જ આઈએમએફના સાત અબજ ડોલરના ત્રણ વર્ષના એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પ્રોગ્રામ હેઠળ પોતાના પ્રથમ સફળ સમીક્ષા ચરણ પૂરુ કર્યું છે. આઈએમએફ અને પાકિસ્તાન વચ્ચે આ કરાર જુલાઈ, 2024માં થયો હતો. મે, 2025માં આઈએમએફના એક્ઝિક્યુટીવ બોર્ડ દ્વારા કરવામાં આવેલી પ્રથમ સમીક્ષા પાકિસ્તાન માટે મહત્ત્વની છે.
આઈએમએફએ પાકિસ્તાનના કર્યા વખાણ
મહિર બિનિસીએ જણાવ્યું હતું કે, શરૂઆતના નીતિગત પગલાંથી પાકિસ્તાને મેક્રો ઈકોનોમિક સ્થિરતા હાંસલ કરી છે. જેથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. બાહ્ય પડકારો હજી પણ યથાવત છે. તેમણે કહ્યું કે, અત્યારસુધી બે હપ્તામાં આઈએમએફએ પાકિસ્તાનને ફંડ આપ્યુ છે. પાકિસ્તાન નિશ્ચિત દિશા-નિર્દેશોનું પ્રમાણિકપણે પાલન કરી રહ્યા છે.
સુધારાઓમાં વધારો
આઈએમએફના પ્રતિનિધિ બિનિસીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, લાંબા ગાળાની આર્થિક સ્થિરતા માટે સંરચનાત્મક સુધારાઓ અત્યંત જરૂરી છે. જેમાં ટેક્સ સિસ્ટમમાં સમાનતા, વ્યાપારિક માહોલમાં સુધારો અને ખાનગી સેક્ટરના નેતૃત્વ ધરાવતા રોકાણને પ્રોત્સાહન સામેલ છે. આઈએમએફ પાકિસ્તાનના આર્થિક અને આબોહવા સુધારાના એજન્ડાનું સમર્થન કરતુ રહેશે. માર્ચ, 2025માં 1.3 અબજ ડોલરની ટકાઉ અને સ્થિર સુવિધા (RSF) મારફત આઈએમએફ પાકિસ્તાન જેવા દેશોને આબોહવા પરિવર્તનનો ઉકેલ લાવવા અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પ્રતિબદ્ધતાને પૂરી કરવામાં મદદ કરે છે.
આબોહવા પરિવર્તનમાં સુધારો જરૂરી
RSF યોજના હેઠળ પાકિસ્તાનમાં જે ક્ષેત્રોમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં જાહેર રોકાણ યોજનાને મજબૂત બનાવવી, જળ સંસાધનોના અસરકારક ઉપયોગને પ્રોત્સાહન, આપત્તિ નિવારણ માટે ઈન્સ્ટીટ્યુશનલ કો-ઓર્ડિનેશનમાં સુધારો તેમજ આબોહવા સંબંધિત આંકડાઓમાં પારદર્શકતા વધારવી વગેરે સામેલ છે. RSF યોજના હેઠળ પાકિસ્તાનના ગ્રીન ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળશે. તેમજ દેશની આર્થિક નીતિઓમાં આબોહવા પરિવર્તન માટે જાગૃત્તિ વધશે.
MENA અને પાકિસ્તાનનો આર્થિક વિકાસ
આઈએમએફના અધિકારીએ વેસ્ટ એશિયા એન્ડ નોર્થ આફ્રિકા (MENA)ક્ષેત્રની આર્થિક સ્થિતિ પર વાત કરતાં જણાવ્યું હતું કે, MENA અને પાકિસ્તાનમાં 2025થી આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ મજબૂત બની રહી છે. જો કે, જિઓ-પોલિટિકલ તણાવ, વૈશ્વિક સહયોગમાં ઉણપ જેવા વૈશ્વિક પડકારો અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર કરી શકે છે.