Get The App

ટુરિઝમ વિભાગે ગુજરાતીઓને ઊઠાં ભણાવ્યાં, MOU કાગળ પર રહ્યા, કંપનીઓએ સરકારને કોણીએ ગોળ ચોંટાડ્યો

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
Gujarat Tourism MOU failure


Gujarat Tourism MOU failure: વાઇબ્રન્ટ ગુજરાતમાં વિવિધ કંપનીઓએ ગુજરાતમાં લાખો કરોડોનું રોકાણ કરીશું તેમ કહીને ખુદ સરકારને જ કોણીએ ગોળ ચોટાડ્યો છે. તેમાંય ગુજરાત ટુરિઝમ વિભાગે તો ગુજરાતીઓને રીતસર ઊઠાં જ ભણાવ્યાં છે. ટુરિઝમ વિભાગે મોટા ઉપાડે જાહેરાતો કરીને વાહવાહી મેળવી લીધી છે પણ વાસ્તવિકતા એછેકે, પ્રવાસને લગતાં પ્રોજેક્ટો કાગળ પર રહ્યાં છે. 

ટૂંકમાં, ફોટા પડાવ્યાં, વાહવાહી મેળવી, ખાઘુ પીઘુને રાજ્ કર્યુ તેવો ઘાટ સર્જાયો છે. લાખો કરોડો રૂપિયા રોકાણ કરીશું તેવા વાયદા કરીને કંપનીઓએ ગુજરાત સરકારને કોણીએ ગોળ ચોટાડ્યો હતો. આજે ગુજરાતમાં ટુરિઝમ ઉદ્યોગ મરણપથારીએ હોય તેમ અનુભવાઇ રહ્યુ છે. 

ગાંધીનગર નજીક ગ્લોબલ વિલેજ ઉભુ કરવાના ટુરિઝમ વિભાગના ખોટા વાયદા 

ગાંધીનગર-અડાલજની પાસે દુબઇ થીમ પર ગ્લોબલ વિલેજ બનાવવાનુ નક્કી કરાયુ હતું. આ ગ્લોબલ વિલેજમાં આખાય ભારતના વિવિધ રાજ્યોની કલા-સંસ્કૃતિને ઉજાગર કરવાના ભાગરુપે પરંપરાગત નૃત્યો, ડાન્સ શો સહિત અન્ય કલાવૃંદોની ઝલક-ઝાંખી જોવા મળે તેવું સ્થળ ઉભુ કરવા આયોજન કરાયુ હતું. તે વખતે ગાંધીનગર નજીક 40 એકર જમીનમાં રૂા.200 કરોડના ખર્ચે આખુય ગ્લોબલ વિલેજ ઉભુ કરવા ટુરિઝમ વિભાગે નક્કી કર્યુ પણ આ બઘુય કાગળ પર રહ્યુ છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર લંડન થીમ પર જાયન્ટ વ્હીલ્સ શરૂ કરવા મોટી મોટી વાતો કરાઇ હતી પણ હજુ આ પ્રોજેક્ટનો પાયો નંખાયો નથી. 

રોકાણ કરવાના નામે કંપનીઓએ સરકારને કોણીએ ગોળ ચોંટાડ્યો

ધરોઇ ડેમ પાસે મહોર ગામ નજીક 640 એકર જમીનમાં વિવિધ સંતોની જીવનશૈલી અને સંદેશનુ પ્રદર્શન, મલ્ટીમિડીયા એમ્ફી થિયેટર, કેફેટેરિયા, વ્યાખ્યાન ખંડ, ભજન કિર્તનખંડ, વિશ્રામ સ્થળ, લાયબ્રેરી, કોન્ફરન્સ હોલ સહિતની સુવિધા સાથે સંતનગરી વિકસાવવા સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનું પણ હવાહવાઇ થયુ છે.  

ગુજરાત પ્રવાસન વિભાગે ઇન્વેસ્ટર સમીટમાં જાહેરાત કરી કે રૂા.350 કરોડના ખર્ચે સોમનાથમાં દરિયામાં વિશાળ એક્વેરિયમ બનાવાશે જેમાં કાચની ટનલમાંથી વિવિધ પ્રજાતિની માછલી, કાચબા સહિત અન્ય દરિયાઇ જીવ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવા આયોજન કરાયુ હતુ. સાથે સાથે લોકો દરિયામાં કોરલ પણ નિહાળી શકે. હજુ સુધી આ પ્રોજેક્ટ કાગળ પર રહ્યો છે. 

આ પણ વાંચો: IPSની હૂંસાતુસીથી સીએમના કાફલામાં 7 કાર મંજૂરી વિના સાત મહિનાથી દોડતી હોવાનો દાવો

દ્વારકા, પોરબંદર, દીવ હજુ ક્રુઝના ઠેકાણા નથી

દેવભુમિ દ્વારકા, પોરબંદર, દીવ અને ગીર સોમનાથમાં ક્રુઝ શરૂ કરવા વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કરાયા હતા. કોસ્ટલ ટુરિઝમના નામે સરકારે ખુબ વાહવાહી મેળવી લીધી પણ હજુ સુધી ક્રુઝ શરૂ થઇ શક્યું નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક મિરર બિલ્ડીંગ બનાવવા પણ નક્કી કરાયુ હતું. આ પ્રોજેક્ટ માત્ર જાહેરાત પુરતો જ રહ્યો હતો. દિલ્હી ખાતે મળેલી ઇનક્રેડિબલ ઇન્ડિયા સમિટમાં રૂા.1200 કરોડના ખર્ચે દેવની મોરી-બુઘ્ધિસ્ટ ટુરિસ્ટ સાઇટ વિકસાવવા એલાન કરાયુ હતું. હજુ સુધી કોઇ ઠેકાણું પડ્યુ નથી. આવા તો ઘણાં પ્રોજેક્ટ છે તે માત્રને માત્ર કાગળ પર જ રહ્યાં છે. 

ટૂંકમાં, વાઇબ્રન્ટ ગુજરાત, દિલ્હી ઇન્વેસ્ટર સમિટમાં ફોટા પડાવ્યાં, વાહવાહી મેળવવામાં આવી, ખાઘુ પીઘુને રાજ કર્યુ જેવો ઘાટ સર્જાયો છે.

ટુરિઝમ વિભાગે ગુજરાતીઓને ઊઠાં ભણાવ્યાં, MOU કાગળ પર રહ્યા, કંપનીઓએ સરકારને કોણીએ ગોળ ચોંટાડ્યો 2 - image

Tags :