લાચાર પાકિસ્તાને ભારતનું નામ લઈ તાલિબાન માટે વાપર્યા વાંધાજનક શબ્દો, તમામ સંબંધ તોડ્યા

Pakistan-Afghanistan Conflict: અફઘાનિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'હવે બંને દેશો વચ્ચેના જૂના સંબંધોનો યુગ સમાપ્ત થઈ ગયો છે. શુક્રવારે આસિફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેતા અફઘાન નાગરિકો તાત્કાલિક પોતાના દેશ તરફ રવાના થઈ જાય, કારણ કે, હવે તેમની પોતાની સરકાર છે અને અમારી ધરતી અને સંસાધનો ફક્ત 25 કરોડ પાકિસ્તાનીઓ માટે જ છે.'
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને કરી એરસ્ટ્રાઈક, 3 ક્રિકેટર્સ સહિત 10ના મોત, સીઝફાયરનું ઉલ્લંઘન
પાક.એ કરી એરસ્ટ્રાઇક
નોંધનીય છે કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો અને સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, દોહામાં વાતચીત પૂરી ન થાય ત્યાં સુધી અસ્થાયી યુદ્ધવિરામ (સીઝફાયર) લંબાવવામાં આવ્યો હતો. તેમ છતાં, પાકિસ્તાને અફઘાનિસ્તાનના પત્તિકા પ્રાંતમાં ફરી એરસ્ટ્રાઇક કરી હતી.
હવે કોઈ પ્રતિનિધિમંડળ કાબુલ નહીં જાયઃ ખ્વાજા આસિફ
જોકે, આ મુદ્દે તાલિબાની અધિકારીઓએ કહ્યું કે, બંને વચ્ચેનો કરાર તૂટી ગયો છે. ખ્વાજા આસિફે તાલિબાન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, અફઘાનિસ્તાનને સરહદ પારના આતંકવાદને લગતા 836 પ્રોટેસ્ટ નોટ અને 13 માગણીઓ મોકલવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, 'હવે કોઈ પ્રતિનિધિમંડળ કાબુલ નહીં જાય. હવે કોઈ પ્રોટેસ્ટ નોટ કે શાંતિની અપીલ કરવામાં નહીં આવે. આતંક જ્યાં પણ પેદા થઈ રહ્યો છે, તેને તેની કિંમત ચૂકવવી પડશે.'
'ભારતના ખોળામાં જઈને બેઠું છે...'
ખ્વાજા આસિફે આ વિવાદમાં ભારતને પણ ઘસડીને આરોપ લગાવ્યો કે તાલિબાન સરકાર ભારત તરફથી કામ કરી રહી છે અને પાકિસ્તાન વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. તેમણે કહ્યું, 'કાબુલના શાસકો આજે ભારતના ખોળામાં જઈને બેઠું છે.'
આ પણ વાંચોઃ કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને ભારે ફટકો, રશિયન રાજદૂતે પાક.ની બેઇજ્જતી કરી
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ચેતવણી આપી છે કે, જો સરહદ પર અફઘાનિસ્તાન દ્વારા કોઈ પણ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાનનો હુમલો
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને કાબુલ પર તે સમયે એરસ્ટ્રાઇક કરી હતી જ્યારે અફઘાન વિદેશ મંત્રી ભારતની યાત્રા પર હતા, જે દર્શાવે છે કે પાકિસ્તાન આતંકી ઘટનાઓ કરતાં ભારત અને અફઘાનિસ્તાનની વધતી નિકટતાથી વધુ પરેશાન છે.