Get The App

મૌલાનાઓની જિદ સામે ઝુકી પાક. સરકાર, રમઝાનમાં સામૂહિક નમાજની મંજૂરી

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
મૌલાનાઓની જિદ સામે ઝુકી પાક. સરકાર, રમઝાનમાં સામૂહિક નમાજની મંજૂરી 1 - image


- નમાજીઓ વચ્ચે છ ફૂટનું અંતર જાળવવામાં આવશે અને માસ્ક ફરજિયાત રહેશે
- 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગીરો અને ફ્લૂથી પીડાતા હોય તેમને પ્રવેશ નહીં મળે


ઈસ્લામાબાદ, તા. 18 એપ્રિલ 2020, શનિવાર

પાકિસ્તાન સરકારે દેશભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મૌલાનાઓના દબાણ સામે ઝુકી જવું પડ્યું છે અને રમઝાનના પવિત્ર મહીના દરમિયાન મસ્જિદોમાં સામૂહિક નમાજ પઢવા માટે મંજૂરી આપવી પડી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ ધાર્મિક નેતાઓ અને તમામ પ્રાંતના રાજકીય પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ શનિવારે આ જાહેરાત કરી હતી. તેમણે 20 સૂત્રીય યોજના પર સહમતિ આપવામાં આવી હોવાનું જાહેર કર્યું હતું. 

આરિફ અલ્વીના કહેવા પ્રમાણે આ એક મહત્વપૂર્ણ સમજૂતી છે અને તમામ ધર્મગુરૂઓની સહમતિ બાદ તેને સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમાં તમામ મૌલવીઓ મસ્જિદોમાં નમાજ અદા કરતી વખતે સામાજિક દૂરી માટેના દિશાનિર્દેશોનું પાલન કરાવવા સહમત થયેલા છે. સમજૂતિ પ્રમાણે 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો, સગીરો અને ફ્લૂથી પીડાતા લોકોને મસ્જિદમાં પ્રવેશની મંજૂરી નહીં અપાય. સાથે જ મસ્જિદો સિવાય રસ્તાઓ, ફૂટપાથ કે અન્ય સ્થળોએ તરાવીહ (વિશેષ પ્રાર્થના)નું આયોજન નહીં કરવામાં આવે. 

મસ્જિદોમાં રહેલી તમામ ચટ્ટાઈને દૂર કરવામાં આવશે અને જમીનને નિયમિતરૂપે કીટાણુનાશક દ્રવ્ય વડે સાફ કરવામાં આવશે. નમાજ પઢતી વખતે નમાજીઓ વચ્ચે છ ફૂટનું અંતર જાળવવામાં આવશે અને તેમણે ફરજિયાત માસ્ક પહેરી રાખવા પડશે. સાથે જ હાથ મિલાવવા પર કે ગળે મળવા પરના પ્રતિબંધનું પાલન કરવું પડશે. જો સરકારને દિશાનિર્દેશોના ઉલ્લંઘનની જાણ થશે કે વાયરસ ફેલાતો હોવાનું લાગશે તો તે આ નિર્ણય અંગે ફરીથી વિચારણા કરી શકે છે. 

ધાર્મિક બાબતોના મંત્રી પીર નૂરૂલ હક કાદરીએ મૌલવીઓને કોરોના વાયરસના જોખમની ગંભીરતા સમજવા વિનંતી કરી હતી અને જો રોગીઓ કે મૃતકોની સંખ્યા વધશે તો મૌલવીઓ તેના માટે જવાબદાર ગણાશે તેવી ચેતવણી આપી હતી. તેમના કહેવા પ્રમાણે જો સ્થિતિ બેકાબુ બનશે તો લોકો ધાર્મિક વિદ્વાનોની ટીકા કરવા લાગશે. 

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કહેરને લઈ પાકિસ્તાન સરકારે મસ્જિદોની સામૂહિક નમાજ પર પ્રતિબંધ લાગુ કર્યો હતો પરંતુ તેનું આંશિક પાલન જ કરવામાં આવ્યું હતું. 

Tags :