World

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર અડધી રાતે ફરી એર સ્ટ્રાઈક, 34થી વધુ લોકોના મોત

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદ નજીક આતંકીઓ વિરુદ્ધ મોટી લશ્કરી કાર્યવાહી કરી છે. કરાચીમાં રેન્જર્સ મુખ્યાલય પર થયેલા હુમલા બાદ, પાકિસ્તાની સેનાએ ગુપ્ત માહિતીના આધારે હવાઈ હુમલા કર્યા. જેમાં 35 આતંકીઓ માર્યા ગયાનો દાવો કરાયો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલા સંગઠન જમાત-ઉલ-અહરરે કરાચી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પાકિસ્તાને સુરક્ષા સાથે કોઈ સમાધાન ન કરવાનો નિર્ધાર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર અડધી રાતે ફરી એર સ્ટ્રાઈક, 34થી વધુ લોકોના મોત

Pakistan Conducts Massive Air Strike Near Afghan Border: પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા વિસ્તારોમાં આતંકીઓ વિરુદ્ધ સૌથી મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. કરાચીમાં પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાના બરાબર એક દિવસ બાદ પાકિસ્તાની સેનાએ વળતો પ્રહાર કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશન અને હવાઈ હુમલા (Air Strike)માં અત્યાર સુધીમાં કુલ 35 આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કરાચીમાં રેન્જર્સ હેડક્વાર્ટર પર થયો હતો આત્મઘાતી હુમલો

અહેવાલો અનુસાર, શનિવારે (27મી જૂન) પાકિસ્તાનના કરાચીમાં સ્થિત પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર હથિયારો અને વિસ્ફોટકોથી સજ્જ આતંકીઓએ ઘૂસણખોરી કરીને હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે વળતી કાર્યવાહીમાં 3 આતંકીઓ પણ ઠાર થયા હતા. સેનાએ એક આતંકીની ઈજાગ્રસ્ત હાલતમાં ધરપકડ કરી છે જે અફઘાન નાગરિક હોવાનું સામે આવ્યું છે. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે જોડાયેલા આતંકી સંગઠન ‘જમાત-ઉલ-અહરર’ દ્વારા સ્વીકારવામાં આવી હતી.

એક મહિનામાં ચોથી એર સ્ટ્રાઈક

પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં એક જ મહિનાની અંદર કરવામાં આવેલો આ ચોથો મોટો હુમલો છે. આ અગાઉ ગત 10મી જૂનના રોજ પણ પાકિસ્તાની સેનાના આવા જ એક હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાને હવે અફઘાન સરહદે આતંકીઓના લોકેશન્સ શોધી-શોધીને તેને તોડી પાડવાનું અભિયાન તેજ કર્યું છે.

સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય: માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરાર

પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સૈન્ય કાર્યવાહીની પુષ્ટિ કરતા લખ્યુ, 'દેશભરમાં સુરક્ષા દળો પર તાજેતરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાઓના જવાબમાં આ કડક ઓપરેશન શરૂ કરાયું છે. પાકિસ્તાન પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોની રક્ષા મામલે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે. આતંકવાદીઓના સંપૂર્ણ સફાયા સુધી આ સૈન્ય કાર્યવાહી અટકશે નહીં.'

આ હુમલા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન સતત આક્ષેપ કરી રહ્યું છે કે તહરીક-એ-તાલિબાનના આતંકીઓ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યા છે.