Get The App

શ્રીલંકાની સુરક્ષા એજન્સીઓએ ભારતથી આવી રહેલી ફ્લાઇટને કેમ ઘેરી? પહલગામ હુમલા સાથે કનેક્શન

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
Chennai-Colombo Flight


Chennai-Colombo Flight Screened at Sri Lanka Airport : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારત આઘાતમાં છે. આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવા માટે માગ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી આ હુમલો કરનારા ઝડપાયા નથી. એવામાં આજે શ્રીલંકાના ભંડારનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇઍલર્ટ આપવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓને આશંકા હતી કે હુમલામાં સામેલ શંકાસ્પદ વ્યક્તિ વિમાનમાં સવાર હોઈ શકે છે. 

શ્રીલંકાના ભંડારનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચેન્નઈથી આવેલી ફ્લાઇટનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. શ્રીલંકાની એરલાઇન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચેન્નઈ એરિયા કંટ્રોલ દ્વારા અલર્ટ આપવામાં આવ્યું હતું જે બાદ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સઘન તપાસ બાદ ફ્લાઇટને સંચાલન માટે મંજૂરી આપવામાં આવી. 

નોંધનીય છે કે 22મી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

PM મોદીએ આજે ફરી આપ્યું મોટું નિવેદન

આજે દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆલો મેનુઅલ ગોંકૅલ્વેસ લૉરેન્કોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષિય બેઠક કરી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ફરી આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહી મુદ્દે મોટું નિવેદન આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે, 'અમે આતંકવાદીઓ અને તેમને મદદ કરનારાઓ વિરુદ્ધ કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ. સરહદ પર આતંકવાદ વિરુદ્ધ લડતમાં અમારું સમર્થન કરવા બદલ અંગોલાના આભાર.'

ભારતના ત્રણ મોટા નિર્ણય

પહલગામ હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. સિંધુ સંધિ તથા વિઝા રદ થયા બાદ પણ અનેક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બંને દેશોએ એકબીજા માટે એરસ્પેસ બંધ કર્યું છે. એવામાં આજે ભારતે ત્રણ મોટા નિર્ણય લીધા છે.

1. પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ સેવા તથા પાર્સલના આદાન-પ્રદાન પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ. આ પ્રતિબંધ હવાઈ અને જમીન બંને માર્ગો પર લાગુ થશે.

2. ભારતીય બંદરો પર પાકિસ્તાની ધ્વજ ધરાવતા કોઈ પણ પ્રકારના કોમર્શિયલ જહાજને અનુમતિ આપવામાં આવશે નહીં.

3. ભારતે પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે જે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને પ્રકારની આયાત પર લાગુ થશે.

Tags :