હ્યુમન ટ્રાયલના બીજા તબક્કામાં પહોંચી બ્રિટનની વધુ એક વેક્સિન
લંડન, તા. 18 જુલાઈ 2020 શનિવાર
લંડનની ઈમ્પિરિયલ કોલેજની કોરોના વાયરસ વેક્સિન હ્યૂમન ટ્રાયલના બીજા ફેઝમાં પહોંચી ગઈ છે. તેની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પ્રથમ તબક્કા દરમિયાન વેક્સિને સારો પ્રભાવ દેખાડ્યો છે.
ટ્રાયલ દરમિયાન બીજા ફેઝમાં 18થી 75 વર્ષની ઉંમરના 105 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. તેના ચાર સપ્તાહ બાદ બધા સહભાગીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ઈન્પિરિયલ કોલેજની ટીમ ક્લીનિકલ ટ્રાયલ સાથે જોડાયેલા બધા સહભાગીઓના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખી રહી છે.
વેક્સિનને લઈને અત્યાર સુધી કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. આ વેક્સિન સાથે જોડાયેલા ડેટાને ભેગો કરવા માટે ટીમ બધા સહભાગીઓના લોહીની પણ તપાસ કરશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, બીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલ બાદ નવેમ્બરમાં આ વેક્સિનના ત્રીજા ટ્રાયલનું આયોજન કરવામાં આવશે.
આ દરમિયાન વેક્સિનનું પરીક્ષણ છ હજાર લોકો પર કરવાની યોજના છે. ઈમ્પિરિયલ કોલેજની ટીમે સંભાવના વ્યક્ત કરી છે કે આ વેક્સિન 2021ની શરૂઆતમાં પ્રોડક્શન માટે જઈ શકે છે.
મહત્વનું છે કે વિશ્વમાં વર્તમાન સમયમાં કોરોના વાયરસ વેક્સિનને લઈને 130થી વધુ સહભાગી કામ કરી રહ્યાં છે. જ્યારે તેમાંથી 13 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં પહોંચી ચુકી છે. તેમાંથી સૌથી વધુ ચીનની વેક્સિન હ્યૂમન ટ્રાયલમાં છે. મહત્વનું છે કે, ચીનમાં 5, બ્રિટનમાં 2, અમેરિકામાં 3, રૂસ, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં 1-1 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં છે.