ટાઇમ મેગેઝિનની 'AI' ક્ષેત્રની ટોપ 100 પ્રભાવશાળી હસ્તીમાં IIT મદ્રાસના એસોસિયેટ પ્રોફેસરને સ્થાન
Mitesh Khapra IIT Professor: 'ટાઇમ' મેગેઝિન દ્વારા વર્ષ 2025 માટેના AI ક્ષેત્રના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ઈલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન જેવા મોટા નામોની સાથે ભારતના IIT મદ્રાસના પ્રોફેસર મિતેશ ખાપરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. મિતેશ ખાપરાને આ સન્માન તેમના નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને મશીન લર્નિંગના સંશોધન માટે મળ્યું છે. તેમનું સંશોધન ખાસ કરીને ભારતીય ભાષાઓ પર કેન્દ્રિત રહ્યું છે.
ભારતીય ભાષાઓમાં AIને સુલભ બનાવવાની પહેલ
શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત મિતેશ ખાપરાએ AI4Bharatની સહ-સ્થાપના કરી. આ એક એવી પહેલ છે જે ભારતીય ભાષાઓમાં AIને વધુ સુલભ બનાવવા માટે ઓપન-સોર્સ ટૂલ્સ અને ડેટાસેટ્સ વિકસાવે છે. 'ટાઇમ' મેગેઝિન અનુસાર, પ્રાદેશિક ભાષાઓની વૉઇસ ટેક્નોલોજી પર કામ કરતી મોટાભાગની ભારતીય સ્ટાર્ટઅપ્સ તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલા ડેટાસેટ્સનો ઉપયોગ કરે છે.
ભારતીય ભાષાઓના AI વિકાસમાં 'AI4Bharat'નું યોગદાન
પ્રોફેસર ખાપરાએ ભારતીય ભાષાઓમાં ટેકનોલોજીના વિકાસ માટે ડેટાની કમીને મુખ્ય અવરોધ તરીકે ઓળખી. આ સમસ્યાના નિવારણ માટે તેમણે AI4Bharat પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત, ભારતના 500 જિલ્લાઓમાંથી હજારો કલાકોના વૉઇસ રેકોર્ડિંગ્સ એકત્રિત કરવામાં આવ્યા, જેમાં દેશની તમામ 22 સત્તાવાર ભાષાઓનો સમાવેશ થાય છે. આ પહેલથી પશ્ચિમી AI મોડેલ્સમાં ઓછી પ્રતિનિધિત્વ ધરાવતી ભાષાઓની નબળાઈને દૂર કરવામાં મદદ મળી છે.
કોણ છે મિતેશ ખાપરા?
IIT મદ્રાસના કમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર મિતેશ ખાપરાએ શૈક્ષણિક ક્ષેત્રમાં જોડાતા પહેલા IBM રિસર્ચ ઇન્ડિયામાં કામ કર્યું છે. તેમણે IIT બોમ્બેમાંથી PhD અને M.Tech.ની ડિગ્રી મેળવી છે. તેમને IBM PhD ફેલોશિપ, માઇક્રોસોફ્ટ રાઇઝિંગ સ્ટાર એવોર્ડ અને ગૂગલ ફેકલ્ટી રિસર્ચ એવોર્ડ જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. તેમનું સંશોધન ACL, NeurIPS અને AAAI જેવી પ્રતિષ્ઠિત પરિષદોમાં પ્રકાશિત થયું છે અને તેમણે તેની અધ્યક્ષતા પણ કરી છે.
IIT મદ્રાસના કમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર મિતેશ ખાપરાએ શૈક્ષણિક ક્ષેત્રમાં જોડાતા પહેલા IBM રિસર્ચ ઇન્ડિયામાં કામ કર્યું છે. તેમણે IIT બોમ્બેમાંથી PhD અને M.Tech.ની ડિગ્રી મેળવી છે. તેમને IBM PhD ફેલોશિપ, માઇક્રોસોફ્ટ રાઇઝિંગ સ્ટાર એવોર્ડ અને ગૂગલ ફેકલ્ટી રિસર્ચ એવોર્ડ જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. તેમનું સંશોધન ACL, NeurIPS અને AAAI જેવી પ્રતિષ્ઠિત પરિષદોમાં પ્રકાશિત થયું છે અને તેમણે તેની અધ્યક્ષતા પણ કરી છે.
ભાષાકીય મિશનમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન
ભારત સરકારના ભાષાકીય મિશનમાં પણ ખાપરાનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, જેનો ઉદ્દેશ AI દ્વારા સ્થાનિક ભાષાઓમાં ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. ઉલ્લેખનીય છે કે આજે દુનિયાભરની મોટી ટેક કંપનીઓ પણ હિન્દી અને મરાઠી જેવી ભાષાઓ માટે તેમના મોડેલને સુધારવા માટે AI4Bharatના ઓપન-સોર્સ ડેટાસેટનો જ ઉપયોગ કરી રહી છે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, 4700 વિઝા રદ, નોકરીઓ પણ જોખમમાં મૂકાઈ
ટાઇમ મેગેઝિને ખાપરાના હવાલાથી જણાવ્યું, 'પંદર વર્ષ પહેલાં, ભારતમાં ભાષા ટેકનોલોજી પર કામ કરતો એક સામાન્ય પીએચડી વિદ્યાર્થી મોટાભાગે અંગ્રેજી સાથે સંબંધિત સમસ્યાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતો હતો, પરંતુ હવે, આ ડેટાસેટ્સની મદદથી મોટો બદલાવ આવ્યો છે અને ભારતીય વિદ્યાર્થીઓ ઝડપથી ભારતીય ભાષાઓ સાથે સંબંધિત પડકારો પર કામ કરી રહ્યા છે.'
સુપ્રીમ કોર્ટથી ગામ સુધી
AI4Bharatના AI મોડેલનો ઉપયોગ સુપ્રીમ કોર્ટમાં સત્તાવાર દસ્તાવેજોનું ભાષાંતર કરવા અને એક વૉઇસ બોટ બનાવવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, પ્રાદેશિક ગ્રામીણ ખેડૂતો તેમની સરકારી સબસિડીના ચૂકવણી સંબંધિત સમસ્યાઓની જાણ કરવા માટે જે કોલ સેન્ટરમાં વાત કરે છે, ત્યાં પણ આ જ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.