Get The App

બેલારૂસના રાષ્ટ્રપતિની શેખી, વોડકા પીઓ ટ્રેક્ટર ચલાવો બકરીઓ સાથે રમો કોરોનાથી કોઈ નહીં મરે

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News
બેલારૂસના રાષ્ટ્રપતિની શેખી, વોડકા પીઓ ટ્રેક્ટર ચલાવો બકરીઓ સાથે રમો કોરોનાથી કોઈ નહીં મરે 1 - image

નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2020, મંગળવાર

એક તરફ અમેરિકાથી લઈને ઈટાલી, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો કોરોના વાયરસની વેક્સિન શોધવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે માત્ર એક કરોડ લોકોની વસ્તી ધરાવતા દેશ બેલારૂસના રાષ્ટ્રપતિએ એક વિચિત્ર નિવેદન આપીને પોતાની બાઘાઈનું પ્રદર્શન કર્યું છે. બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ પોતાના દેશના નાગરિકોને સંબોધતી વખતે ખૂબ જ વિચિત્ર પ્રકારના દાવાઓ કર્યા છે. તેમણે દેશના લોકોને બેલારૂસમાં કોરોનાની દવા તૈયાર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને વોડકા પીવાથી કોરોના નહીં થાય તેવો દાવો કર્યો હતો.

બ્રિટીશ મીડિયા જેને તાનાશાહ તરીકે ઓળખે છે તેવા એલેક્ઝાંડર અગાઉ પણ અનેક વખત આ પ્રકારના વિચિત્ર નિવેદનો આપી ચુક્યા છે. 25 વર્ષથી બેલારૂસની સત્તા સંભાળી રહેલા એલેક્ઝાંડરે લોકોને દેશમાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ ન થયું હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સાથે જ તેમણે વોડકા પીવાથી, ટ્રેક્ટર ચલાવવાથી અને બકરીઓ સાથે રમવાથી કોરોના નથી થતો તેવો દાવો કર્યો હતો. સત્તાવાર આંકડા જોતા બેલારૂસમાં કોરોનાના કારણે 12થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ એલેક્ઝાંડર હજુ પણ સ્થિતિની ગંભીરતા સમજ્યા વગર અને માનવાધિકાર કાર્યકરોની ચેતવણીને અવગણીને લોકડાઉન લાગુ કરવાની ના પાડી રહ્યા છે.

તેમણે જે લોકોના મોત થયા છે તે અગાઉથી જ અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ તે વાતથી સહમત હોવાનું જણાવ્યું હતું. એલેક્ઝાંડરની આ નીતિ મોટા પ્રમાણમાં માનવ ખુવારીનું કારણ બની શકે છે પરંતુ તેઓ લોકો કોરોનાથી ડરી ન જાય તે માટે કોરોનાથી થયેલા મૃત્યુ જાહેર ન કરતા હોવાનું કહી રહ્યા છે. 

Tags :