ગલ્ફમાં ફરી ભારેલો અગ્નિ: હોર્મુઝમાં ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી બ્રેક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UN IMO ship evacuation: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. બ્રિટિશ સૈન્યના જણાવ્યા અનુસાર, ઓમાનના દરિયાકાંઠે એક વ્યાપારી જહાજ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. એક અમેરિકન અધિકારીએ ઓળખ ન આપવાની શરતે ખુલાસો કર્યો છે કે 'એવર લવલી' (Ever Lovely) નામના આ મર્ચેન્ટ જહાજ પર ઈરાનની પેરામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જહાજને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ કે પર્યાવરણીય નુકસાનના અહેવાલ નથી.
UNએ લીધો મોટો નિર્ણય
આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO)એ મોટો નિર્ણય લેતા પર્સિયન ગલ્ફમાંથી ફસાયેલા જહાજોને બહાર કાઢવાનું ઓપરેશન અટકાવી દીધું છે. એજન્સીના સેક્રેટરી-જનરલ આર્સેનિયો ડોમિંગુએઝે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ રૂટ પર જહાજોની સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી ન મળે ત્યાં સુધી આ રેસ્ક્યૂ ઓપરેશન હોલ્ડ પર રહેશે. જોકે, જે જહાજ પર હુમલો થયો તે આ રેસ્ક્યૂ ઓપરેશનનો ભાગ નહોતું.
ઈરાનની ખુલ્લી ધમકી: 'અમારી પરવાનગી વિના પસાર થશો તો કાર્યવાહી થશે'
આ હુમલાના થોડા કલાકો પહેલા જ ઈરાને ધમકી આપી હતી કે તેની પરવાનગી વિના આ રૂટનો ઉપયોગ કરનારા જહાજોને રોકી દેવામાં આવે. ઈરાનની નવી સરકારી એજન્સી 'પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી' એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ઈરાન દ્વારા નક્કી કરાયેલા રૂટ સિવાય અન્ય કોઈ માર્ગેથી પસાર થનારા જહાજોને સુરક્ષાની કોઈ ગેરંટી આપવામાં આવશે નહીં. રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું છે કે ઓમાન અને IMO દ્વારા તૈયાર કરાયેલો આ નવો રૂટ અસ્વીકાર્ય અને અત્યંત જોખમી છે. અગાઉ બુધવારે ઈરાની સૈનિકોએ રેડિયો પર એક ટેન્કરને ધમકી આપતા કહ્યું હતું કે, 'તમે અમારી મિસાઈલોની રેન્જમાં છો અને અમે ગમે ત્યારે ફાયરિંગ કરી શકીએ છીએ.'
આ પણ વાંચો: વેનેઝુએલામાં સદીનો સૌથી વિનાશક ભૂકંપ: કાટમાળ નીચે જિંદગીની શોધ, મૃત્યુઆંક 188
નવા રૂટથી વિશ્વના અર્થતંત્રને મોટી રાહતની આશા હતી
વિશ્વના કુલ ઓઇલ અને કુદરતી ગેસનો પાંચમો ભાગ આ જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાને આ મુખ્ય માર્ગમાં દરિયાઈ સુરંગો ગોઠવી દીધી હતી, જેના કારણે આ ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો. ઓમાન અને IMOની મદદથી કિનારાની નજીકથી એક નવો વૈકલ્પિક રૂટ શરૂ કરાયો હતો, જેનાથી વૈશ્વિક અર્થતંત્ર પરનું દબાણ ઘટે તેમ હતું. છેલ્લા કેટલાક દિવસોમાં આ રૂટ પર ટ્રાફિક વધ્યો પણ હતો અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 73 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયા હતા, પરંતુ આ નવા હુમલાએ ફરી ચિંતા વધારી દીધી છે.
અમેરિકા શાંતિ કરાર માટે પ્રતિબદ્ધ: માર્કો રૂબિયો
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો હાલમાં ખાડી દેશોની મુલાકાતે છે. તેમણે બહેરીનમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી ખાતરી આપી હતી કે ઈરાન સાથેના કોઈપણ કરારમાં તેમના હિતોની રક્ષા કરવામાં આવશે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે પણ વચગાળાના શાંતિ કરાર માટે પડદા પાછળ વાટાઘાટો ચાલી રહી છે, જેમાં જહાજોની અવરજવર અને ઈરાનના યુરેનિયમ સ્ટોકનો મુદ્દો મુખ્ય છે. બંને દેશો પાસે વિગતો નક્કી કરવા માટે 60 દિવસનો સમય છે.
લેબેનોનમાં ઈઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈથી યુદ્ધવિરામ જોખમમાં
આ દરમિયાન લેબેનોનમાં ઈઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે આ શાંતિ પ્રક્રિયા જોખમમાં મૂકાઈ છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલી હુમલામાં એક કારને નિશાન બનાવવામાં આવતા 3 લોકો સહિત છેલ્લા બે દિવસમાં કુલ 5 લોકોના મોત થયા છે. હિઝબુલ્લાહે તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. બીજી તરફ, ઈઝરાયલી સેનાએ પણ દક્ષિણ લેબેનોનમાં તેનો એક રિઝર્વિસ્ટ સૈનિક માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે. ઈરાને શરત મૂકી છે કે યુદ્ધ ખતમ કરવા માટે ઈઝરાયલે લેબેનોનમાંથી પીછેહઠ કરવી પડશે, જેને ઈઝરાયલે સ્પષ્ટપણે નકારી દીધી છે.









