નેટફ્લિક્સના કો-ફાઉન્ડરે H1-B વિઝા ફી મામલે ફેરવી તોળ્યું, ટ્રમ્પના નિર્ણયને 'ગ્રેટ સોલ્યુશન' ગણાવ્યું
Donald Trump H1-B Visa: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના H1-B વિઝા ફીમાં વધારાની જાહેરાતની મોટાભાગના લોકો ટીકા કરી રહ્યા છે. આ ટીકાઓ વચ્ચે નેટફ્લિક્સના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે ફેરવી તોળ્યું છે. અગાઉ ટીકા કરનારા હેસ્ટિંગ્સે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એચ-1બી વિઝા ફીમાં વધારોના નિર્ણયને 'ગ્રેટ સોલ્યુશન્સ' ('શ્રેષ્ઠ ઉકેલ') દર્શાવતાં આવકાર્યો છે.
છેલ્લા ત્રણ દાયકાથી એચ-1બી વિઝા પોલિસી પર કામ કરતાં રીડ હેસ્ટિંગ્સે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, મેં 30 વર્ષ માટે એચ1-બી વિઝા પોલિટિક્સ પર કામ કર્યું હતું. ટ્રમ્પનો વિઝા ફીમાં એક લાખ ડૉલરનો વધારો શ્રેષ્ઠ ઉેકલ છે.
ઉચ્ચ મૂલ્ય ધરાવતી નોકરીને મળશે મહત્ત્વ
હેસ્ટિંગ્સે જણાવ્યું હતું કે, એચ1-બી વિઝાની ફીમાં વધારો થવાથી તે હવે ઉચ્ચ-મૂલ્યો ધરાવતી નોકરીઓ સુધી સીમિત થશે. જે યોગ્ય છે. એચ 1-બી વિઝાનો ઉપયોગ હાઇ વેલ્યુ જોબ્સ માટે જ થશે. હવે લોટરીની જરૂર નહીં પડે, અને જે નોકરી માટે જરૂર છે ત્યાં જ એચ1-બી વિઝા માટે અરજી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, હેસ્ટિંગ્સે અગાઉ ટ્રમ્પના આ પગલાંને વખોડ્યો હતો. તેમણે ટ્રમ્પ પર ગ્રેટ અમેરિકાને નષ્ટ કરવાનો આરોપ પણ મૂક્યો હતો.
દર વર્ષે 85,000 એચ 1-બી વિઝા
અમેરિકા દર વર્ષે લગભગ 85,000 એચ 1-બી વિઝા ફાળવે છે. હાલના વર્ષોમાં સિસ્ટમમાં એચ1-બી વિઝા અરજીમાં ધરખમ વધારો થયો છે. અમેરિકા લોટરી સિસ્ટમના માધ્યમથી એચ1-બી વિઝા મંજૂર કરે છે. જેના લીધે ઘણી વખત ઉચ્ચ કૌશલ્ય ધરાવતા અરજદારના વિઝા રિજેક્ટ થતાં હોય છે. એચ 1-બી વિઝા ફીમાં વધારો કરવા પાછળનો ઉદ્દેશ કંપનીઓને અમેરિકન કામદારોની ભરતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, તેમજ આઉટસોર્સિંગ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. અમેરિકન્સ માટે નોકરી સુરક્ષિત રાખવાના હેતુ સાથે ટ્રમ્પે આ પગલું લીધું છે.
આ નિર્ણયથી અમેરિકાને થશે નુકસાન
ફ્યુચરન્સના ફાઉન્ડર અને સીઈઓ રાઘવ ગુપ્તાએ જણાવ્યું હતું કે H1-B ફીમાં વધારાના કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાના બદલે અન્ય દેશ તરફ ડાયવર્ટ થયા છે. જ્યારે કેટલાક લોકો પોતાના જ દેશમાં જ રહેવાનું પસંદ કરશે. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર અને સિનિયર ડીન ડૉ. પવિત્ર પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે H-1B વિઝા ફીમાં વધારાને કારણે, અમેરિકા ભારતના કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનો લાભ મેળવવાની તક ગુમાવશે. જોકે, ભારત આ પ્રતિભાને જાળવી રાખવા પ્રોત્સાહક પગલાં લઈ શકે છે.