અમેરિકા ખ્રિસ્તી રાષ્ટ્ર, હિન્દુઓના ખોટા ભગવાનની મૂર્તિને મંજૂરી કેમ?', રિપબ્લિકન નેતાની વિવાદિત ટિપ્પણી
USA Republican Leader Comments On Lord Hanumanji: અમેરિકાના ટેક્સાસમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ સ્થાપિત કર્યા બાદ વિવાદ સર્જાયો છે. રિપબ્લિકન પાર્ટીના એક નેતાએ ભગવાન હનુમાનની મૂર્તિની ટીકા કરતાં અમેરિકામાં ધાર્મિક વિવાદ છેડાયો છે. રિપબ્લિકન નેતા એલેક્ઝેન્ડર ડંકને હિન્દુ દેવતાની આ મૂર્તિ પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું કે, આપણે ખ્રિસ્તી દેશ છીએ. તો આપણે એક ખોટા હિન્દુ ભગવાનની વિશાળ મૂર્તિ લગાવવા મંજૂરી કેમ આપી છે?
રિપબ્લિકન નેતા ડંકને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરી હતી કે, આપણે ટેક્સાસમાં એક ખોટા હિન્દુ ભગવાનની ખોટી મૂર્તિ લગાવવા મંજૂરી કેમ આપી છે? આપણે ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ. ધર્મ મુદ્દે વિવાદ છેડતાં ડંકને આ પોસ્ટમાં ભગવાન હનુમાનની સાથે ટેક્સાસમાં શુગર લેન્ડ શહેરમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરની મૂર્તિનો વીડિયો પણ શેર કર્યો હતો.
બાઇબલનો હવાલો આપી કર્યો વિરોધ
ડંકને બાઇબલનો હવાલો આપી હિન્દુ દેવી-દેવતાનો વિરોધ કર્યો હતો. ડંકનનું આ નિવેદન અમેરિકન્સને ખ્રિસ્તી સિવાય અન્ય કોઈ ધર્મને સન્માન ન આપવાના વલણ તરફ ઇશારો કરે છે. ડંકનની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. ઘણા લોકોએ ડંકનની નિંદા કરી હતી. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને રિપબ્લિકન પાર્ટીના નેતાના આ નિવેદનને હિન્દુ વિરોધી અને ભડકાઉ કહ્યું હતું. આ મામલે તેમણે રિપબ્લિકન પાર્ટી સમક્ષ ફરિયાદ પણ નોંધાવી છે.
આ પણ વાંચોઃ ફાઈટર જેટ ભૂલથી પણ અમારા વિસ્તારમાં દેખાયું તો તોડી પાડીશું: UK-પૉલેન્ડની રશિયાને ધમકી
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આપ્યો જવાબ
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ડંકનની આ પોસ્ટ પર પલટવાર કરતાં આકરો જવાબ આપ્યો હતો. તેણે લખ્યું હતું કે, હેલો @TexasGOP. શું તમે તમારી પાર્ટીના સિનેટ ઉમેદવારને શિસ્ત શીખવશો. જે જાહેરમાં પોતાના ભેદભાવ વિરોધી દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરે છે. હિન્દુ વિરોધી રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ બંધારણના પ્રથમ સુધારાની જોગવાઈનું અપમાન કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સે કરી ટીકા
સોશિયલ મીડિયા યુઝર્સે ડંકનની પોસ્ટ પર આકરી ટીકા કરી હતી. તેમણે એક નેતા દ્વારા જ અમેરિકાની ધર્મ સ્વતંત્રતાનો ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ મૂક્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, તમે અમેરિકાના બંધારણ માટે લડો છે. પરંતુ તમે તેની ધાર્મિક સ્વતંત્રતા જેવી સામાન્ય જોગવાઈઓ વિશે જાણતા નથી.
અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તમે હિન્દુ નથી, એનો અર્થ એ નથી કે, બાકી બધા ખોટા છે. વેદોનું વર્ણન અને લેખન ભગવાન ઈસુના પૃથ્વી પર અવતરણ પહેલાં 2000 વર્ષ પહેલાં થયુ હતું. તમારૂ આ નિવેદન એક નેતા તરીકે તદ્દન અશોભનીય છે.