ઈરાન-ઈઝરાયલ સીઝફાયર બાદ પ્રથમ વખત ટ્રમ્પને મળશે નેતન્યાહૂ, ગાઝા મુદ્દે લઈ શકે છે મોટો નિર્ણય
USA President And Israel PM Will Meet On Monday: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ 7 જુલાઈના રોજ સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. વ્હાઈટ હાઉસમાં યોજાનારી આ બેઠકમાં ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસો અને ઈરાન સંબંધિત મુદ્દાઓ પરચર્ચા થશે. નિષ્ણાતોનું માનવુ છે કે, ટ્રમ્પની આ બેઠક મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસનો એક ભાગ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વરિષ્ઠ સલાહકાર અને સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના મધ્ય-પૂર્વના ડિરેક્ટર મોના યાકૂબિયને જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં સીઝફાયરને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ મુદ્દો બંને નેતાઓની બેઠકમાં ચર્ચાશે. ટ્રમ્પ ઘણા દિવસોથી આ દિશામાં અનેક સંકેતો આપી રહ્યા છે.
હમાસે પણ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધ વિરામ યોજના પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને કહ્યું છે કે તે વાટાઘાટો માટે તૈયાર છે. આ યોજના બંધકોને મુક્ત કરવા અને સંઘર્ષનો અંત લાવવા પર વાટાઘાટોનો પ્રસ્તાવ રજૂ કરે છે.
ઈરાન મુદ્દા પર પણ ચર્ચા થશે
ટ્રમ્પે બેઠક મામલે અગાઉ જણાવ્યું હતું કે, હું નેતન્યાહૂ સાથે ઈરાન અંગે પણ ચર્ચા કરશે. મોના યાકુબિયનના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ અને નેતન્યાહૂ બંને ઈરાન પર સમાન વિચારો ધરાવે છે અને અગાઉ લશ્કરી કાર્યવાહી સાથે મળીને કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં, બંને નેતાઓ ભવિષ્યની રણનીતિ પર એક સંયુક્ત વલણ અપનાવે તેવી શક્યતા છે.
આ નેતાઓને મળશે
આ મુલાકાતમાં, નેતન્યાહૂ વિદેશ મંત્રી માર્કો રુબિયો, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, ટ્રમ્પના પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફ અને કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક સહિત અન્ય ટોચના યુએસ અધિકારીઓને પણ મળશે.
નેતન્યાહૂની મુલાકાત કેમ મહત્વપૂર્ણ?
મોના યાકુબિયનએ જણાવ્યું હતું કે, નેતન્યાહૂની આ મુલાકાત માત્ર ઈરાનમાં કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની સફળતા જ નહીં, પણ ગાઝામાં સંભવિત યુદ્ધવિરામ તરફનું એક પગલું પણ માનવામાં આવશે. ટ્રમ્પ માટે આ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આનાથી તેઓ અમેરિકામાં પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરી શકશે અને સાથે જ પોતાને 'શાંતિ નિર્માતા' તરીકે રજૂ કરી શકશે. તેઓ લાંબા સમયથી મધ્ય પૂર્વમાં મોટા રાજદ્વારી કરારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વની નજર હવે આ બેઠક પર ટકેલી છે, જેમાં બંને નેતાઓ પ્રાદેશિક શાંતિ અને વ્યૂહાત્મક ભાગીદારી પર નવો માર્ગ નક્કી કરી શકે છે.