નેતન્યાહૂની દાદાગીરી, હુમલો કર્યા બાદ પણ કતારને ધમકાવ્યું, લાદેનનું આપ્યું ઉદાહરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Netanyahu open challenge to Qatar: કતારની રાજધાની દોહામાં હુમલાને કારણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ચારે તરફથી ટીકાઓનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તેઓ માફી માંગવા તૈયાર નથી. ઉલટાનું, તેમણે કતારને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે હમાસના નેતાઓને તેમના દેશમાંથી કાઢી મૂકે.
વર્ષ 2012થી હમાસની રાજકીય વિંગની ઓફિસ કતારમાં જ છે. એવું મનાય છે કે ગાઝામાં હમાસનું શાસન પણ દોહાથી જ ચલાવવામાં આવે છે. આ જ કારણોસર, નેતન્યાહૂએ કતારને સીધી ધમકી આપતાં કહ્યું છે કે જો તે હમાસના લોકોને ત્યાંથી બહાર નહીં કાઢે કે મારી નહીં નાખે, તો ઇઝરાયલ પોતે જ કાર્યવાહી કરશે.
દોહા હુમલાની તુલના 9/11 સાથે: નેતન્યાહૂનો તર્ક
વડાપ્રધાન નેતન્યાહૂએ દોહામાં થયેલી કાર્યવાહીને અમેરિકાના 9/11ના હુમલાના બદલા જેવી ગણાવી. તેમણે તર્ક આપતા કહ્યું કે જેમ અમેરિકાએ ઓસામા બિન લાદેન અને અલ-કાયદાને આશ્રય આપવા બદલ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો, તેમ ઇઝરાયલે પણ કર્યું છે.
તેમણે 7 ઓક્ટોબર, 2023ના હુમલાની સરખામણી 11 સપ્ટેમ્બરના હુમલા સાથે કરતા કહ્યું કે, હોલોકોસ્ટ પછી પહેલીવાર યહૂદીઓ પર આટલો મોટો હુમલો થયો હતો. આ ઘટનાને ભૂલી ન શકાય. નેતન્યાહૂએ પ્રશ્ન કર્યો કે આખરે 11 સપ્ટેમ્બરના હુમલાના જવાબમાં અમેરિકાએ શું કર્યું હતું?
હમાસના આતંકવાદીઓને બંગલા અને પૈસા આપી રહ્યું છે કતાર
11 સપ્ટેમ્બરના હુમલા બાદ અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં આતંકવાદીઓને કોઈ પણ પ્રકારનું શરણ ન આપવાની અને તેઓ જ્યાં પણ હશે ત્યાં જ તેમને ખતમ કરવાની નીતિ અપનાવવાનું કહેવાયું હતું. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું કે તેમનો દેશ પણ આ જ નીતિ પર કામ કરી રહ્યો છે અને હમાસના આતંકવાદીઓને જ્યાં પણ તેઓ છુપાયેલા હશે, ત્યાં ઠાર કરવામાં આવશે.
તેમણે કતાર પર ગંભીર આરોપ મૂક્યો કે તે હમાસના આતંકવાદીઓને પાળી રહ્યું છે, તેમને બંગલા અને પૈસા આપી રહ્યું છે. આ ભંડોળનો ઉપયોગ ઇઝરાયલ વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે.
આ પણ વાંચો: નેપાળમાં ફરી હિંસા, જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2 લોકોના મોતથી તણાવ
'લાદેનને મારવા પર અમેરિકાની પ્રશંસા કરતા હતા, તો અમારા પર કેમ ગુસ્સે છો?'
ઇઝરાયલના નેતાએ પોતાની કાર્યવાહીને યોગ્ય ઠેરવતા કહ્યું કે, તેઓ તે જ કરી રહ્યા છે જે અમેરિકાએ કર્યું હતું, જેમ કે અફઘાનિસ્તાનમાં ઘૂસીને અલ-કાયદાના આતંકવાદીઓને માર્યા અને પાકિસ્તાનમાં બિન લાદેનને ઠાર કર્યો.
તેમણે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, જે દેશોએ લાદેનને મારવા બદલ અમેરિકાની પ્રશંસા કરી હતી, તે જ દેશો આજે ઇઝરાયલની કાર્યવાહીની નિંદા કરી રહ્યા છે. બીજી તરફ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશો દોહામાં થયેલા હુમલાથી ગુસ્સે છે. કતારે આ હુમલાને પોતાના સાર્વભૌમત્વ વિરુદ્ધ ગણાવ્યો છે અને કહ્યું છે કે ઇઝરાયલની આ કાર્યવાહીથી સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડક્યું છે.








