નેપાળમાં ફરી હિંસા, જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2 લોકોના મોતથી તણાવ
Nepal Violence: નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલ વચ્ચે, રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસને રોકવા માટે સેનાએ ગોળીબાર કર્યો. જેના પરિણામે, બે કેદીઓનાં મોત થયા અને અન્ય 10 કેદીઓને ગોળી વાગી. નેપાળમાં સેનાનું નિયંત્રણ થયા બાદ ગોળીબારની આ પ્રથમ ઘટના છે.
પહેલાં કાઠમંડુ જેલમાંથી ભાગી ગયેલા એક બાંગ્લાદેશી નાગરિકને SSB દ્વારા પકડવામાં આવ્યો. તે સોનાની તસ્કરીના આરોપસર પાંચ વર્ષથી નેપાળની જેલમાં હતો.
નેપાળથી ભાગેલો કેદી ભારતીય સીમા પરથી પકડાયો
આ ધરપકડ SSBની 47મી બટાલિયન દ્વારા બિહાર-નેપાળ સરહદ પર કરવામાં આવી. કમાન્ડન્ટ સંજય પાંડેએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી નેપાળમાં બદલાયેલી પરિસ્થિતિને કારણે સરહદ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ દરમિયાન, બુધવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો, જેનું નામ મોહમ્મદ અબુલ હસન ઢાલી છે. ઢાલીએ કબૂલ્યું કે તે નેપાળમાં થયેલા જેલ બ્રેકનો લાભ લઈને ભાગી આવ્યો છે. તે છેલ્લા પાંચ વર્ષથી કાઠમંડુની જેલમાં કેદ હતો અને ત્યાંથી ભાગીને રક્સૌલ પહોંચ્યો.
નોંધનીય છે કે, ઓલી સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના બીજા અને ત્રીજા દિવસે નેપાળના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 15,000 કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા.
નેપાળમાં ઠેર-ઠેર હિંસા
આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક દેખાવકારો દ્વારા નેપાળની સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ સહિત ઘણાં રાજકીય નેતાઓના ઘરોમાં આગચંપી કરી છે. આ ઉપરાંત દેશભરમાં અનેક સ્થળોએ હિંસા અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. બેકાબૂ ટોળા દ્વારા કેટલાક ટોચના નેતાઓને માર માર્યાની ઘટનાઓ પણ સામે આવી છે. આ દરમિયાન નેપાળની સેના હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે.
આ પણ વાંચો: ઇઝરાયલ વિરુદ્ધ બે ઈસ્લામિક દેશ એકજૂટ, મતભેદો ભૂલી કતાર પહોંચ્યા યુએઈના પ્રમુખ નાહ્યાન
કેમ ફેલાઇ હિંસા?
નોંધનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. નેપાળ સરકારે ફેસબૂક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનો આ નિર્ણયને અભિવ્યક્તિ સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તા પર ઉતર્યા છે અને દેશભરમાં તોડફોડ-હિંસા કરી રહ્યા છે.