VIDEOS: નેપાળમાં સંસદ અને રાષ્ટ્રપતિના ઘરમાં આગચંપી, ઠેર-ઠેર તોડફોડ અને હિંસા
Nepal Gen Z Protest: નેપાળના કાઠમંડુમાં સોમવારે (આઠમી સપ્ટેમ્બર) શરુ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. 20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. હિંસક દેખાવ વચ્ચે વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત નેપાળના ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી અને આરોગ્યમંત્રી પ્રદીપ પૌડેલે પણ રાજીનામું આપ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ હિંસક દેખાવના ફોટા અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.
નેપાળમાં Gen-Zના રસ્તાઓ પર દેખાવ
ઉલ્લેખનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સરકારે ફેસબુક, એક્સ (ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવાનોએ તેને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલના ઘર પર હુમલો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારને લઈને Gen-Z દેખાવકારોએ મંત્રીઓના નિવાસસ્થાનોને નિશાન બનાવી રહ્યા છે. સરકારી નિવાસસ્થાનો પર પથ્થરમારો કરી આગચંપી રહ્યા છે. આ ઉપરાંત નેતાઓના ઘરો પર પણ કબજો કરી રહ્યા છે. Gen-Z દેખાવકારોએ નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલના ઘરને પણ છોડ્યું નહીં. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાનમાં આગ લગાવી દીધી છે.
આ પણ વાંચો: નેપાળમાં Gen-Zએ બે દિવસમાં સરકાર ઉથલાવી નાંખી, PMનું રાજીનામું; સંસદમાં આગચંપી
નેપાળી કોંગ્રેસ કાર્યાલયમાં આગચંપી
કાઠમંડુમાં દેખાવો સતત ઉગ્ર થઈ રહ્યા છે. Gen-Z દેખાવકારોએએ શાસક પક્ષ નેપાળી કોંગ્રેસના કાર્યાલયમાં આગચંપી હતી. બીજી તરફ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક ધોરણે રાજીનામું આપી દીધું છે.
ડેપ્યુટી PMને દોડાવી-દોડાવીને માર માર્યો
નેપાળમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને હિંસાની વચ્ચે, મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. દેખાવકારોએ કાઠમંડુમાં નેપાળના ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલને દોડાવી-દોડાવીને માર્યા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી
ભારતના વિદેશ મંત્રાલયે નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં એડવાઇઝરી જાહેર કરી છે. નેપાળમાં સ્થિત ભારતીયોને સાવચેતીના પગલાં લેવા તેમજ સરકારના આદેશોનું પાલન કરવા સૂચન કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમે નેપાળની પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ. ઘણા યુવાનોએ આ આંદોલનમાં જીવ ગુમાવ્યા છે, તેનું અમને દુઃખ છે. અમને આશા છે કે, તમામ માગનો શાંતિથી ઉકેલ લાવવામાં આવે. ભારતીયોને વર્તમાન પરિસ્થિતિમાં સાવચેતી રાખવા સલાહ છે.