Get The App

નેપાળની રાજનીતિમાં વળાંક, આ દિગ્ગજ મહિલા બનશે વચગાળાના વડાંપ્રધાન!

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
નેપાળની રાજનીતિમાં વળાંક, આ દિગ્ગજ મહિલા બનશે વચગાળાના વડાંપ્રધાન! 1 - image


Nepal Government: નેપાળની રાજનીતિમાં વળાંક જોવા મળી રહ્યો છે. હિંસા અને સત્તા સંકટ વચ્ચે હવે દેશની કમાન કોણ સંભાળશે? તેને લઈને Gen-Z આંદોલનકારીઓએ વર્ચ્યુઅલ બેઠક બોલાવી હતી. આ ઓનલાઇન સભામાં 5000થી વધુ યુવાનોએ ભાગ લીધો અને સૌથી વધુ સમર્થન સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને મળ્યું. તેઓ હવે યુવાનોના આંદોલન પછી નેપાળમાં સત્તાનું સુકાન  સુશીલા કાર્કી સંભાળે તેવી શક્યતાઓ છે.

બાલેન શાહે જવાબ નહીં આપ્યો હોવાનો દાવો

અત્યાર સુધી એવું મનાતું હતું કે, હવે નેપાળમાં સત્તાનું સુકાન કાઠમંડુના મેયર બાલેન શાહ સંભાળશે. તેઓ Gen-Z આંદોલનના પોસ્ટર લીડર પણ હતા. જો કે, આ આંદોલનના એક પ્રતિનિધિએ દાવો કર્યો છે કે, ‘બાલેન શાહે અમારો ફોન નથી ઉપાડ્યો. તેમણે અમને કોઈ જ જવાબ આપ્યો નથી. તેથી અમારે બીજા નામની ચર્ચા કરવી પડી, જેમાં સૌથી વધુ સમર્થન સુશીલા કાર્કીને મળ્યું છે.’

2500થી વધુ હસ્તાક્ષર

કાર્કીએ આ અગાઉ વડાંપ્રધાન પદ માટે ઓછામાં ઓછા 1000 લેખિત હસ્તાક્ષરની શરત મૂકી હતી. સૂત્રોના અનુસાર, અત્યાર સુધી તેમને 2500થી વધુ સમર્થન પત્ર મળી ચૂક્યા છે.

નેપાળની રાજનીતિમાં વળાંક, આ દિગ્ગજ મહિલા બનશે વચગાળાના વડાંપ્રધાન! 2 - image
સુશીલા કાર્કી (નેપાળની સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ)

અન્ય નામો પર પણ થઇ ચર્ચા

બેઠકમાં કુલમાન ઘિસિંગ, સાગર ઢકાલ અને હર્કા સમ્પાંગ જેવા નામો પર પણ ચર્ચા થઈ. રસપ્રદ વાત એ રહી કે યુટ્યુબર Random Nepaliને પણ મત મળ્યા, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ ત્યારે જવાબદારી લેશે જ્યારે બીકાના તમામ ના પાડી દે.

તેવામાં એ રસપ્રદ છે કે જો સુશીલા કાર્કી પ્રસ્તાવ સ્વીકારે છે તો માનવામાં આવી રહ્યું છે કે તેઓ પહેલા સેના પ્રમુખ જનરલ અશોક રાજ સિગ્દેલ સાથે મુલાકાત કરશે, જ્યારબાદ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની સત્તાવાર મંજૂરી જરૂરી હશે.

જણાવી દઈએ કે, Gen-Z લોકો ભવિષ્યના નેતૃત્વ માટે ડિસ્કાર્ડ એપ દ્વારા મતદાન કરી રહ્યા છે. મતદાન માટે હજુ 23 કલાક બાકી છે અને ત્યાં સુધી સુશીલા કાર્કીને સૌથી વધુ મત મળ્યા છે.

નેપાળની રાજનીતિમાં વળાંક, આ દિગ્ગજ મહિલા બનશે વચગાળાના વડાંપ્રધાન! 3 - image

કોણ છે સુશીલા કાર્કી?

સુશીલા કાર્કી નેપાળના પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ છે, જેમણે 2016માં પદ સંભાળ્યું. તેમણે પોતાના કરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી અને બાદમાં સુપ્રીમ કોર્ટના જજ બન્યા. કાર્કી ભ્રષ્ટાચાર કેસમાં બેખોફ અને આકરા વલણ માટે જાણીતા છે. તેઓ 2006માં બંધારણીય સમીતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2009માં તેમને સુપ્રીમ કોર્ટના એડ-હોક જજ નિયુક્ત કરાયા અને 2010માં કાયમી જજ બનાવી દેવાયા. 2016માં તેમને પહેલા કાર્યવાહક અને પછી કાયમી ચીફ જસ્ટિસ તરીકે પદ સંભાળ્યું. તેમણે બીએચયૂ, વારાણસીથી રાજનીતિ વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે. તેમની નિમણૂક નેપાળમાં મહિલાઓ માટે સમાનતા અને બંધારણિય અધિકારોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવ્યું.

Tags :