નેપાળ ભડકે બળતાં ગુજરાતી વિદ્યાર્થી અને પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકાર 'એક્ટિવ' થઈ
Nepal Gen-Z Revolution : નેપાળમાં પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન નિવાસસ્થાન સહિત સંસદને નિશાન બનાવી હિંસક હુમલા કર્યા છે. નેપાળ ભડકે બળ્યુ છે ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ અટકાઈ પડ્યાં છે. આ બધાયને સુરક્ષિત પરત લાવવા ગુજરાત સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.
નેપાળમાં ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ફસાયા
નેપાળની રાજધાની કાઠમંડુમાં હિંસા અને અરાજકતોનો માહોલ છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ રાજીનામુ ધરી દીધુ છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનના નિવાસસ્થાનમાં તોડફોડ કરી આગ લગાવી દેવાઇ છે, જેમાં વડાપ્રધાનના પત્નિનું મોત થયું છે. આ હિંસક સ્થિતીમાં નેપાળમાં અભ્યાસ કરતાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાયા છે. સાથે સાથે નેપાળ પ્રવાસે ગયેલાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે.
ગુજરાતી નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે હેલ્પ નંબરો જાહેર કર્યાં છે. હાલ ગુજરાતી નાગરિકોને કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક કરવા માટે જાણ કરાઈ છે. નેપાળની રાજકીય અરાજકતાં અને હિંસક સ્થિતી વચ્ચે કેટલાં ગુજરાતીઓ ફસાયા છે તેની સરકાર દ્વારા અધિકૃત જાણકારી આપવામાં આવી નથી.
કેમ ફેલાઇ હિંસા?
નોંધનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. નેપાળ સરકારે ફેસબૂક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનો આ નિર્ણયને અભિવ્યક્તિ સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તા પર ઉતર્યા છે અને દેશભરમાં તોડફોડ-હિંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો: ઈઝરાયલી હુમલામાં હમાસ-કતારને મોટું નુકસાન, અમેરિકાએ કહ્યું - 'અમે સાવચેત કર્યા હતા!'
ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધની ચિંગારી સાથે મંગળવારે બીજા દિવસે પણ નેપાળ સળગતું રહ્યું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે દેખાવકારોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દીધી. વડા પ્રધાન કેપી શર્મા ઓલીના વ્યક્તિગત નિવાસસ્થાનથી લઈને ઘણા મંત્રીઓ અને નેતાઓના ઘરો અને કાર્યાલયો સુધી તોડફોડ અને આગચંપી થઈ. સરકારે ગુસ્સા સામે ઝૂકવું પડ્યું અને વડા પ્રધાન ઓલીએ રાજીનામું આપ્યું.