World

'ભલે PM પદ છોડવું પડે પરંતુ સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ નહીં હટાવું', કેપી ઓલીનું મોટું નિવેદન

By GS TEAM
8 Sep 20252 mins read
TukuTouch Logo
નેપાલના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ રવિવારે સાંજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કહ્યું કે, તેઓ વડાપ્રધાન પદ છોડી શકે છે, પરંતુ 4 સપ્ટેમ્બરે લગાવવામાં આવેલા સોશિયલ મીડિયા પ્રતિબંધને નહીં હટાવે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભલે PM પદ છોડવું પડે પરંતુ સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ નહીં હટાવું', કેપી ઓલીનું મોટું નિવેદન
Image Source: IANS

Nepal PM Statement on Social Media Ban: નેપાલના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ રવિવારે સાંજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કહ્યું કે, તેઓ વડાપ્રધાન પદ છોડી શકે છે, પરંતુ 4 સપ્ટેમ્બરે લગાવવામાં આવેલા સોશિયલ મીડિયા પ્રતિબંધને નહીં હટાવે. તેનું આ નિવેદન કાઠમાંડૂ અને અન્ય શહેરોમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરૂદ્ધ Gen-Zના હિંસક પ્રદર્શનો વચ્ચે આવ્યું, જેમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 250થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.

ઓલીએ કેબિનેટમાં કહ્યું કે, 'રાષ્ટ્રીય સુરક્ષા માટે 27 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ જરૂરી છે. હું પદ છોડવા માટે તૈયાર છું, પરંતુ આ પ્રતિબંધ નહીં હટે.' તેમનું આ નિવેદન ગૃહમંત્રી રમેશ લેખકના રાજીનામાં બાદ આવ્યું, જેમણે દેશના અનેક શહેરોમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં થયેલા 20 મોતની નૈતિક જવાબદારી લેતા પોતાનું પદ છોડી દીધું.

આ પણ વાંચો: પહેલા બાંગ્લાદેશ-શ્રીલંકા, હવે નેપાળ? ભારતના પડોશી દેશોમાં કેમ ડગમગી રહ્યું છે સત્તાનું સિંહાસન

વડાપ્રધાન ઓલીના અડગ વલણથી કોંગ્રેસ નારાજ

કેબિનેટ બેઠકમાં ઓલીએ કહ્યું કે, 'સરકારનો નિર્ણય યોગ્ય છે.' તેમણે પોતાના તમામ મંત્રીઓને આ નિર્ણયના સમર્થનમાં નિવેદન આપવા કહ્યું છે. ત્યારે ઓલી સરકારમાં સામેલ નેપાળી કોંગ્રેસના મંત્રીઓએ પ્રતિબંધ હટાવવાની માગ કરી છે. વડાપ્રધાને તેના જવાબમાં કહ્યું કે, 'તેમની સરકાર ઉપદ્રવી GenZ પ્રોટેસ્ટર્સની આગળ નહીં ઝૂકે.' પીએમ ઓલીના આ અડગ વલણથી નારાજ કોંગ્રેસી મંત્રીઓએ કેબિનેટ બેઠકથી વોકઆઉટ કર્યું. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સત્તાધારી ગઠબંધનની ઇમરજન્સી બેઠક બોલાવી હતી.

આ પણ વાંચો: નેપાળમાં શાળા-કોલેજમાં ભણતા યુવાનોએ કેમ કર્યો બળવો? શું માત્ર સોશિયલ મીડિયા જ જવાબદાર?

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારને લઈને વ્યાપક આંદોલન ચાલી રહ્યું છે. હજારો યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તો કેટલાક સંસદ પરિસરમાં પણ ઘૂસી ગયા છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજધાની કાઠમંડુના બાનેશ્વરમાં સેના તૈનાત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ સેનાએ ફાયરિંગ કરતાં અનેક દેખાવકારોના મોત થયા છે. તંત્રએ પરિસ્થિતિને જોતા દેખાવકારોને જ્યાં દેખાય ત્યાં ગોળી મારવાનો આદેશ આપ્યો છે. વિવિધ ઘટનાઓ બાદ દેશભરના અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે.