ટ્રમ્પે બજેટ ઘટાડતાં નાસાના બે હજાર કર્મચારીની છટણી થશે, સ્પેસ રેસમાં ચીન આગળ નીકળી જવાનો વિજ્ઞાનીઓને ડર
Trump Cut the Budget of NASA: નાસામાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી થવા જઈ રહી હોવાની સંભાવના છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હવે નાસાનું બજેટ અડધું કરી નાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ ચર્ચા બાદ હવે નાસાના સીનિયર સ્ટાફને છૂટા કરવામાં આવી રહ્યા છે. લગભગ 2000 કર્મચારીઓ પર એની અસર પડી રહી છે. એના કારણે સાયન્ટિફિક અને એરોસ્પેસ કોમ્યુનિટીમાં ઉથલ-પાથલ થઈ રહી છે. આ બજેટ ઘટાડવાને કારણે જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે એની અસર હવે નાસાના ઘણા મિશન પર પણ જોવા મળશે.
નાસામાં શું થઈ રહ્યું છે?
નાસામાં હવે GS-13થી GS-15ના કર્મચારીઓને છૂટા કરવાનો ટાર્ગેટ છે. એમાં સીનિયર સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ અને મેનેજરનો સમાવેશ થાય છે. આ તમામને ઘણાં દાયકાનો અનુભવ છે, પરંતુ તેમને હવે છૂટા કરવામાં આવી રહ્યા છે. આ માટે નાસા તેમને વહેલા રિટાયર થવા માટેની સુવિધા આપી રહી છે. તેમ જ કર્મચારીઓને એક સાથે ચોક્કસ રકમ આપી છૂટા કરવામાં આવી રહ્યા છે.
કયા સેન્ટરમાંથી કેટલા કર્મચારી છૂટા કરવામાં આવશે?
- ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર : 607 સ્ટાફ
- જોનસન સ્પેસ સેન્ટર : 366 સ્ટાફ
- કેનેડી સ્પેસ સેન્ટર : 311 સ્ટાફ
- નાસા હેડક્વાર્ટર : 307 સ્ટાફ
આ તમામ સેન્ટર મિશન કન્ટ્રોલ, રોકેટ લોન્ચ અને સાયન્ટિફિક રિસર્ચ માટે ખૂબ જ મહત્ત્વના છે.
નાસા વર્ષો પાછળ ચાલ્યું જશે?
નિષ્ણાતો દ્વારા આ નિર્ણયને લઈને ચેતવવામાં આવ્યાં છે. તેમનું માનવું છે કે હ્યુમન સ્પેસ ફ્લાઇટ્સ, પ્લેનટરી સાયન્સ અને એન્જિનિયરિંગ માટે માહિતી અને અનુભવથી ભરપૂર સ્ટાફનું હોવું જરૂરી છે. GS-15માં નાસાના સૌથી વધુ અનુભવી કર્મચારીઓ છે. એમાંથી 875 સ્ટાફને છૂટા કરવામાં આવી રહ્યા છે. આથી નાસાને લીડરશિપની સાથે અનુભવની પણ અછત પડશે. આ કારણસર આગળ વધવાની જગ્યાએ નાસા હવે વર્ષો પાછળ જઈ શકે છે.
મિશનનું સ્ટેટસ શું છે?
- માર્સ સેમ્પર રિટર્ન મિશનમાં મંગળ પર જઈને રોવર દ્વારા સેમ્પલ મેળવીને એને પૃથ્વી પર લાવવાનું મિશન હતું, જે કેન્સલ કરવામાં આવ્યું છે.
- ન્યુ હોરાઇઝન એક્સપ્લોર મિશનમાં પ્લુટોની આગળ જઈ ક્યુપર બેલ્ટને એક્સપ્લોર કરવાનું હતું, જેનું ફંડિંગ પાછું લઈ લેવામાં આવ્યું છે.
- જૂનો મિશનમાં ગુરુગ્રહના એટમોસ્ફિયર અને મેગ્નેટોસ્ફિયરને સ્ટડી કરવાનું હતું, જે કેન્સલ કરી દેવામાં આવ્યું છે.
- ગેટવે લુનાર સ્ટેશન મિશનમાં આર્ટેમિસ મિશન માટે લુનાર ઓર્બિટ સ્ટેશન બનાવવાનું હતું, જેને પડતું મૂકવામાં આવ્યું છે.
- આર્ટેમિસ 4 મિશનમાં ચંદ્રને લાંબા સમય સુધી એક્સપ્લોર કરવાનું મિશન હતું, જેને હવે ટૂંકું કરી દેવામાં આવ્યું છે.
- ચંદ્ર એક્સ-રે ઓબઝર્વેટરીમાં હાઇ-એનર્જી કોસ્મિક ફીનોમેનાને ઓબઝર્વ કરવાનું હતું, જે હવે ટર્મિનેટ કરી દેવામાં આવ્યું છે.
- માર્સ ઓડિસી અને મેવન મિશનમાં મંગળ ગ્રહના એટમોસ્ફિયર અને જિયોલૉજીને સ્ટડી કરવાનું હતું, જે કેન્સલ કરી દેવામાં આવ્યું છે.
- નૅન્સી ગ્રેસ રોમન ટેલિસ્કોપમાં ડાર્ક એનર્જી અને એક્સોપ્લેનેટ્સને સ્ટડી કરવાનું હતું, જે માટેનું ફંડિંગ અટકાવી દેવામાં આવ્યું છે.
નાસાના લગભગ ૪૦ મિશન છે, જેમાંથી અંદાજે એક તૃત્યાંશ મિશનને કેન્સલ કરવામાં આવ્યા છે અથવા તો એનું ફંડિંગ ઓછું કરી દેવામાં આવ્યું છે.
બજેટને લઈને થયો મોટો મુદ્દો
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નાસાના બજેટમાં લગભગ 47 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. નાસાનું સાયન્સ મિશન ડિરેક્ટોરેટ, જે પૃથ્વી અને અંતરિક્ષ સાયન્સ માટે કામ કરે છે, તેમાં સૌથી મોટું બજેટનું ગાબડું પડ્યું છે. STEM અને ક્લાઇમેટ પ્રોગ્રામને કેન્સલ કરી દેવામાં આવ્યા છે. નાસાના STEM outreach, ક્લાઇમેટ મોનિટરિંગ સેટેલાઇટ્સ અને એન્વાયરમેન્ટલ એવિએશન રિસર્ચ માટેના ફંડિંગને રદ કરી નાખવામાં આવ્યું છે.
નાસાના એડમિનિસ્ટ્રેટર તરીકે જેરેડ આઇઝેકમેનનું નામ ચર્ચામાં હતું, જોકે ઈલોન મસ્ક સાથે તેના સારા સંબંધ હોવાથી ટ્રમ્પ દ્વારા હવે નાસાના એડમિનિસ્ટ્રેટર તરીકે ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીને પસંદ કરવામાં આવ્યા છે.
ચીન કરતાં પાછળ થવાનો ભય
નાસાના ભૂતપૂર્વ વિજ્ઞાની દ્વારા આ નિર્ણયને વખોડવામાં આવ્યો છે. તેમણે સરકારને ચેતવણી પણ આપી છે કે જો આ કરવામાં આવશે તો અમેરિકા સ્પેસમાં જેટલું અત્યારે આગળ છે એટલું જ પાછળ થઈ જશે. એનાથી ચીનને તેમના સ્પેસ પ્રોગ્રામ માટે વધુ શક્તિ મળશે અને તેઓ દુનિયામાં સૌથી આગળ નીકળી જશે.