સેમસંગે લોન્ચ કરી નવી ફોલ્ડ અને ફ્લિપ સીરિઝ, પાતળા મોબાઇલમાં પણ વધુ પાવર અને પર્ફોર્મન્સ
Samsung Launch New Fold and Flip Series: સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. 9 જુલાઈએ બ્રૂકલિનમાં એટલે કે ભારતમાં આજે યોજાયેલી અનપેક્ટ ઈવેન્ટમાં મોબાઈલની સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વોચને પણ લોન્ચ કરવામાં આવી હતી. સેમસંગ દ્વારા તેમની ભવિષ્યની ટેક્નોલોજી લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. અલ્ટ્રા-થિન ફોલ્ડેબલ ફોન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હેલ્થને મહત્ત્વ આપતી વોચની સાથે સેમસંગે પર્સનલાઇઝેશન અને પર્ફોર્મન્સ પર પણ ખૂબ જ ભાર આપ્યો છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 : સેમસંગનો સૌથી પાતળો અને એડવાન્સ ફોલ્ડેબલ મોબાઈલ
આ મોબાઈલની ડિઝાઇન પર ધ્યાન આપીએ તો એ ફોલ્ડ બંધ હોય ત્યારે 8.9 mm જાડાઈ અને ફોલ્ડ ખુલ્લી હોય ત્યારે 4.2 mm જાડાઈ છે. આ મોબાઈલ સેમસંગનો અત્યાર સુધીનો સૌથી પાતળો ફોલ્ડેબલ મોબાઈલ છે. તેમાં 6.5 ઇંચની કવર સ્ક્રિન અને 8 ઇંચની AMOLED 2X મેઈન સ્ક્રીન છે. એમાં 2600 nitsની બ્રાઇટનેસ છે. મોબાઈલનો ઉપયોગ જ્યારે બહાર એટલે કે ખુલી જગ્યા માં કરતાં હોય ત્યારે સૂર્યપ્રકાશમાં પણ સ્ક્રીનમાં સારી રીતે જોઈ શકાય એ માટે વિઝન બૂસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોબાઈલમાં Snapdragon 8 Elite પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખાસ ગેલેક્સી મોડલ માટે બનાવવામાં આવ્યો છે. અગાઉના જનરેશનના પ્રોસેસર કરતાં આમાં 41% NPU બૂસ્ટ, 38% CPU અને 26% GPUમાં સુધારા કરવામાં આવ્યા છે. એમાં Android 16 અને One UI 8નો સમાવેશ છે.
આ ફોનમાં 200 મેગાપિક્સલનો વાઇડ-એંગલ કેમેરો છે જે Z સીરિઝમાં પ્રથમ વખત ઉપલબ્ધ થયો છે. આ મોબાઈલ AIથી સજ્જ છે. જેમાં Generative Edits અને Audio Eraser જેવી ટૂલ્સ છે. Gemini Live, Circle to Search, Real-Time Travel અને Weather જેવા AI ફીચર્સનો પણ સમાવેશ છે.
આ મોબાઈલની શરૂઆતની કિંમત ₹1,74,999 છે. Jet Black, Blue Shadow, Silver Shadow અને Mint કલરમાં 256GB, 512GB અને 1TB સ્ટોરેજ વિકલ્પ સાથે 25 જુલાઈથી ડિલિવરી શરૂ થશે.
ગેલેક્સી Z ફ્લીપ 7 : કોમ્પેક્ટ પાવરફૂલ મોબાઈલ
આ ફોનની મેઈન સ્ક્રીન 6.9 ઇંચની છે અને 4.1 ઇંચની FlexWindow કવર સ્ક્રિન છે—Z ફ્લીપ સીરિઝમાં અત્યાર સુધીની સૌથી મોટી કવર સ્ક્રિન. 120Hz રિફ્રેશ રેટ અને 2600 nits બ્રાઇટનેસ ધરાવતી સ્ક્રિન છે.
આ ફોનમાં 4300 mAh બેટરી ક્ષમતા છે. ફ્લીપ સીરિઝમાં અત્યાર સુધીની સૌથી ઊંડી બેટરી. એમાં Exynos 2500 પ્રોસેસર છે. 50MP વાઇડ અને 12MP અલ્ટ્રાવાઈડ કેમેરા સાથે 10MP સેલ્ફી કેમેરાનો સમાવેશ છે.
AI ફીચર્સ પણ ઉપલબ્ધ છે. ફોનની કિંમત ₹1,09,999થી શરૂ થાય છે. Jet Black, Blue Shadow, Coral Red અને Mint કલર વિકલ્પો સાથે 256GB અને 512GB સ્ટોરેજમાં ઉપલબ્ધ છે.
ગેલેક્સી Z ફ્લીપ 7 FE : પહેલો બજેટ ફોલ્ડેબલ ફોન
સેમસંગ દ્વારા પહેલી વાર બજેટ ફોલ્ડેબલ ફોન રજૂ કરવામાં આવ્યો છે. જો કે તેની કિંમત હજુ પણ ઊંચી છે. Apple જેવી રીતે “S” અને “e” સીરિઝ લોન્ચ કરે છે એ જ રીતે સેમસંગમાં FE મોડેલ રજૂ થયો છે.
એમાં 6.7 ઇંચની મેઈન સ્ક્રિન અને 3.4 ઇંચની કવર સ્ક્રિન છે. 50MP Flex કેમેરા અને Exynos 2400 પ્રોસેસર ધરાવે છે. 3700 mAh બેટરી ક્ષમતા સાથે ₹89,999થી શરૂ થાય છે. 128GB અને 256GB સ્ટોરેજ વિકલ્પોમાં Black અને White કલરમાં ઉપલબ્ધ છે.
ગેલેક્સી વોચ સીરિઝ 8 : હેલ્થ પર વધુ ધ્યાન
ગેલેક્સી વોચ 8ને પહેલાં કરતાં 11% વધુ પાતળા ડિઝાઇનમાં રજૂ કરવામાં આવી છે. એમાં 3000 nits બ્રાઇટનેસ છે. 40mm અને 44mmના માપમાં Graphite અને Silver કલરમાં ઉપલબ્ધ છે.
વોચમાં Dual-Frequency GPS, 3nm પ્રોસેસર અને BioActive સેન્સર છે. સ્લીપ કોચિંગ, બેડટાઇમ ગાઇડન્સ અને વસ્ક્યુલર લોડ મોનિટર જેવા AI આધારિત ફીચર્સ છે. એનર્જી સ્કોર અને માઇન્ડફુલનેસ ટ્રેકરનો પણ સમાવેશ છે. આ વોચ ₹32,999થી શરૂ થાય છે. વોચ સીરિઝમાં કુલ 6 મોડલ ઉપલબ્ધ છે.