VIDEO: વ્હાઈટ હાઉસની બારીમાંથી ફેંકાઈ રહસ્યમય બેગ, ટ્રમ્પ અને ઉચ્ચ અધિકારીના નિવેદનમાં વિરોધાભાસથી વિવાદ
White House mystery bag : છેલ્લા થોડા દિવસોથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આરોગ્ય નાજુક હોવા બાબતે અફવાઓ ફેલાઈ રહી છે. #TrumpIsDead જેવા હેશટેગ પણ ઓનલાઈન ટ્રેન્ડ થઈ રહ્યા છે. એવામાં વ્હાઇટ હાઉસમાં બનેલી એક વિચિત્ર ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. વ્હાઇટ હાઉસની બારીમાંથી બહાર ફેંકાયેલી બેગ ચર્ચાનું કેન્દ્ર બની છે. સોશિયલ મીડિયા પર લોકો જાતભાતના અનુમાન કરી રહ્યા છે. આ મુદ્દે વ્હાઇટ હાઉસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વિરોધાભાસી નિવેદનો આપી રહ્યા હોવાથી કોણ સાચું બોલે છે અને કોણ ખોટું, એ સવાલ પણ ઊભો થયો છે.
આ પણ વાંચો: VIDEO: જ્વાળામૂખી ફાટતા 300 ફૂટ ઊંચે ઉડ્યા આગના ગોળા, હવાઈમાં સર્જાયો મોટો ખતરો
વાઇરલ વીડિયોમાં શું દેખાય છે?
1 સપ્ટેમ્બરના રોજ ‘લેબર ડે’ના દિવસે વ્હાઇટ હાઉસના બીજા માળની એક બારીમાંથી કોઈ વ્યક્તિ એક કાળી બેગ બહાર ફેંકે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વોશિંગ્ટનને લગતું કન્ટેન્ટ પોસ્ટ કરતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'વોશિંગ્ટનિયનપ્રોબ્સ' દ્વારા એ વીડિયો અપલોડ કરાયો હતો. તે કોઈ અનામી વ્યક્તિ દ્વારા સબમિટ કરાયો હતો. આ વીડિયોમાં સફેદ કપડાં પહેરેલી કોઈ વ્યક્તિ વ્હાઇટ હાઉસની બારીમાંથી કાળી બેગ ફેંકતી જોવા મળે છે. સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને બનાવાયેલા આ વીડિયો અંગે સોશિયલ મીડિયામાં જાતભાતની થિયરી પણ વહેતી થઈ ગઈ હતી.
લોકો કેવા અનુમાનો લગાવી રહ્યા છે?
આ વીડિયોના કમેન્ટ સેક્શનમાં લોકો વિવિધ અનુમાન લગાવતા જોવા મળ્યા છે. કેટલાકે સૂચવ્યું હતું કે, ‘ઇમારતની અંદર નવીનીકરણ કાર્ય ચાલી રહ્યું હશે, એનો કંઈક કચરો બહાર ફેંકાયો હશે.’ તો કોઈકે મજાક કરતાં લખ્યું હતું કે, ‘ટ્રમ્પ એપસ્ટેઇન કેસની ગુપ્ત ફાઇલો ફેંકી રહ્યા હશે.' કોઈકે તો એમ પણ લખી દીધું હતું કે, ‘મેલેનિયા, ટ્રમ્પના ડાયપર ફેંકી રહ્યાં હશે.’ તો કેટલાક યુઝર્સે આ રહસ્યમય બેગને ટ્રમ્પના સ્વાસ્થ્ય સંબંધિત અફવાઓ સાથે જોડી દીધી છે.
વ્હાઈટ હાઉસનું નિવેદન આવ્યું, પરંતુ...
આ બાબતે વ્હાઇટ હાઉસ અથવા સિક્રેટ સર્વિસ તરફથી તાત્કાલિક કોઈ સ્પષ્ટતા ના થતા અફવાઓને વધુ વેગ મળી. જો કે, વિવાદ વધી જતા વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સ્પષ્ટતા કરી કે, ‘આ તો વ્હાઇટ હાઉસમાં નિયમિત ધોરણે ચાલતા ‘મેઈન્ટેન્સ’નો ભાગ છે. આ કામ ચાલતું હોય ત્યારે પ્રમુખ ત્યાં હોતા જ નથી. સામાન્ય રીતે તેમની ગેરહાજરીમાં જ આ કામ થાય છે.’
પરંતુ આ દરમિયાન ટ્રમ્પે વ્હાઈટ હાઉસના નિવેદનથી વિપરિત વાત કરી અને વિવાદ વધી ગયો.
ટ્રમ્પે AIની કરાતમને દોષ દીધો
આ વીડિયો અંગે ટ્રમ્પને એક પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે દાવો કર્યો હતો કે, ‘એ વીડિયો AI જનરેટેડ હશે, કેમ કે વ્હાઇટ હાઉસની બધી જ બારીઓ સીલબંધ છે, ખોલી શકાય એવી નથી. દરેક બારીનું વજન છસો પાઉન્ડ જેટલું છે એટલે એકલા માણસથી તે ખોલી શકાય એમ નથી. મારી પત્ની મેલેનિયા તો ઈચ્છે છે કે બેડરૂમમાં તાજી હવા આવે એ માટે બારી ખોલે, પણ એમ કરવું શક્ય નથી.’
વ્હાઇટ હાઉસ અને ટ્રમ્પના વિરોધાભાસી નિવેદન આવતાં પ્રશ્નો
ટ્રમ્પે વ્હાઇટ હાઉસના નિવેદનથી વિપરીત નિવેદન આપતાં વળી સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે, વ્હાઇટ હાઉસમાં મેઈન્ટેનન્સ ચાલતું હોય એની ટ્રમ્પને ખબર ન હોય, એવું શક્ય જ નથી. તેથી ક્યાં તો વ્હાઇટ હાઉસના અધિકારી જૂઠું બોલ્યા હતા અથવા ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે.
આ પણ વાંચો: રશિયાનો યુક્રેન પર ફરી ભયાનક હુમલો, 500 ડ્રોન અને મિસાઇલ ઝીંકી
કોણ સાચું અને કોણ જૂઠું?
વ્હાઇટ હાઉસની બારીઓ બખ્તરબંધ અને બુલેટપ્રૂફ હોવાથી ખોલી જ નથી શકાતી, એવો ટ્રમ્પનો દાવો વાસ્તવિકતાની નજીક છે. એ વાત તો સાચી છે કે, બીજા વિશ્વયુદ્ધ પછી વ્હાઇટ હાઉસની મોટા ભાગની બારીઓને બુલેટપ્રૂફ કાચથી સજ્જ કરીને સીલબંધ કરી દેવાઈ હતી. જો આ સાચું હોય તો સવાલ એ છે કે, શું ખરેખર પેલો વીડિયો 'AI જનરેટેડ' હશે. જો હા, તો મુદ્દો અહીં જ પૂરો થઈ જાય છે. પણ જો એનો જવાબ ના હોય તો વળી સવાલ થાય કે, સીલબંધ બારીને કેવી રીતે ખોલવામાં આવી હતી? અને એમાંથી ફેંકાયેલી બેગમાં ખરેખર શું હતું?