2900 મોત અને લાખો લોકોનું હિંસક આંદોલન, ભારતના પડોશી દેશમાં ચાર વર્ષ બાદ કટોકટીનો અંત
Myanmar junta ends state of Emergency: આજે ગુરુવારે મ્યાનમારની લશ્કરી સરકારે દેશમાં 4 વર્ષથી અમલમાં રહેલી કટોકટી દૂર કરવાની જાહેરાત કરી છે. હાલ મ્યાનમારમાં હિંસા, ગૃહયુદ્ધ અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તેમાં છતાં રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા પરિષદની બેઠક બાદ આર્મી ચીફ મિન આંગ હ્લેઇંગે કટોકટી દૂર કરવાની જાહેરાત કરી હતી.
નવી સરકારની રચના અને વડાપ્રધાનની નિમણૂક
કટોકટી દૂર કરવાની સાથે સેનાએ 30 સભ્યોની સંઘીય સરકારની રચનાની પણ જાહેરાત કરી છે. ઉપરાંત, સેના પ્રમુખના નજીકના ગણાતા ન્યો સોને નવા વડા પ્ધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આથી એ સ્પષ્ટ થાય છે કે નવા રાજકીય માળખા દ્વારા સેના હજુ પણ સત્તા પર ટકી રહેશે.
હિંસા અને ગૃહયુદ્ધની સ્થિતિમાં કટોકટી દૂર કરવાનો નિર્ણય શા માટે?
મ્યાનમારમાં લાંબા સમયથી રાજકીય અસ્થિરતા અને આર્થિક કટોકટીની સ્થિતિ છે. દેશમાં લોકશાહી તરફી જૂથો અને સૈન્ય આમને સામને છે. તેમજ સૈન્ય સતત આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત ડિસેમ્બર 2024માં ચૂંટણીઓ યોજવાનું વચન આપવામાં આવ્યું આવેલું હોવાથી બંધારણ મુજબ ચૂંટણી યોજાય તે પહેલા કટોકટી હટાવવી જરૂરી હતી. આથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કટોકટી શા માટે લાદવામાં આવી હતી?
1 ફેબ્રુઆરી, 2021ના રોજ મ્યાનમાર સેનાએ બળવો કરીને સત્તા સંભાળી હતી. 2020ની ચૂંટણીમાં આંગ સાન સુ કીના પક્ષ NLD એ જીત મેળવી હતી, પરંતુ સેના સમર્થન કરતાં પક્ષે પરિણામો સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ પછી સેનાએ રાષ્ટ્રપતિ અને આંગ સાન સુ કી સહિત ઘણા નેતાઓની ધરપકડ કરી અને કટોકટી લાદવામાં આવી. જેના વિરોધમાં ઘણા આંદોલન થયા જેમાં લગભગ 2900થી વધુ લોકોના મોત થયા અને 18,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શું હવે અંતરિક્ષમાં યુદ્ધ છેડાશે? ચીન-રશિયાના કિલર સેટેલાઈટની યોજનાથી જાપાન લાલઘૂમ
જાન્યુઆરીમાં કટોકટી લંબાવવામાં આવી હતી
તાજેતરમાં જાન્યુઆરી 2025માં, સુરક્ષા પરિષદે કટોકટી 31 જુલાઈ સુધી લંબાવી હતી. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણીઓ માટે પરિસ્થિતિને સ્થિર કરવી જરૂરી છે. જુલાઈમાં, સૈન્યએ એક નવો કાયદો પસાર કર્યો, જેમાં ચૂંટણીમાં અવરોધ ઊભો કરવા બદલ મૃત્યુદંડની જોગવાઈ પણ ઉમેરવામાં આવી. જો કે, યુએસ અને ઘણા પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવિત ચૂંટણીઓને ગેરકાયદેસર ગણાવી છે અને તેને લશ્કરી શાસનને કાયદેસર બનાવવાનો પ્રયાસ પણ ગણાવ્યો છે. એવામાં હવે 4 વર્ષ બાદ મ્યાનમારની લશ્કરી સરકારે કટોકટી દૂર કરવાની જાહેરાત કરી છે.