મસ્કની ટ્વિટર સામે છેતરપિંડીની ફરિયાદઃ કોર્ટમાં બંને પક્ષોની દલીલ

કેસની આગામી સુનાવણી ડેલાવર કોર્ટમાં ૧૭મી ઓક્ટોબરે થશે

ઈલોન મસ્કના વકીલે ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે ચાલેલા ઘર્ષણનો ઉલ્લેખ પણ કોર્ટમાં કર્યો
ઈલોન મસ્ક અને સોશિયલ મીડિયા કંપની ટ્વિટર વચ્ચે કાયદાકીય લડાઈ કોર્ટમાં શરૃ થઈ છે. મસ્કે ટ્વિટર સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. એનો જવાબ ટ્વિટરે કોર્ટમાં આપ્યો છે. બંને પક્ષે કોર્ટમાં દલીલો કરી હતી. હવે આ કેસની આગામી સુનાવણી ૧૭મી ઓક્ટોબરે થશે. કેસની દલીલો દરમિયાન ભારતનો પણ ઉલ્લેખ થયો હતો.
ઈલોન મસ્કે ૪૪ અબજ ડોલરમાં સોશિયલ મીડિયા કંપની ટ્વિટર ખરીદવાની ડીલ કરી હતી, પરંતુ કંપનીના એક્ટિવ યુઝર્સની બાબતે મતભેદો થયા હતા. મસ્કે ફેક અકાઉન્ટનો સાચો આંકડો જાહેર કરવાનું જણાવ્યું હતું. એની સામે કંપનીએ આંકડો જાહેર કર્યો ન હતો, પરંતુ કેટલાક અકાઉન્ટ્સ બંધ કર્યાની જાહેરાત કરી હતી. મસ્કનો દાવો છે કે કંપની મન્થલી એક્ટિવ યુઝર્સનો જે આંકડો રજૂ કરે છે એમાં રોબોટિક અકાઉન્ટ્સ પણ સમાવેશ થાય છે અને આવા સેંકડો અકાઉન્ટ્સ છે. મસ્કે ડીલ તોડી નાખી હતી. એ પછી ટ્વિટરે મસ્ક સામે કોર્ટમાં કેસ કર્યો હતો.
મસ્કે વળતી અરજી કરી હતી અને ટ્વિટર સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે. મસ્કના વકીલે કોર્ટમાં દલીલો રજૂ કરતા કહ્યું હતું કે ટ્વિટરે આંકડો ખોટો આપીને છેતરપિંડી કરી છે. એ દલીલોમાં કંપની વિવિધ દેશોના સરકારી નિયમો પાળતી ન હોવાનો આરોપ પણ લાગ્યો હતો. એમાં ભારતનું ઉદાહરણ અપાયું હતું. મસ્કના વકીલે કહ્યું હતું કે ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. ટ્વિટરે ભારત સરકારના આઈટી એક્ટનું ઉલ્લંઘન કર્યું હતું. ટ્વિટરે તેનું સૌથી મોટું ત્રીજુ માર્કેટ જોખમમાં મૂક્યું હતું, જે ગંભીર બાબત છે. ટ્વિટર વતી કોર્ટમાં દલીલો રજૂ થઈ હતી. ટ્વિટરના વકીલે કહ્યું હતું કે કંપનીએ મસ્કની સૂચના પ્રમાણે કર્મચારીઓ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં, અસંખ્ય સ્પેમ અકાઉન્ટ ડિલિટ કર્યા છે. આ સોદો રદ્ કરવો અયોગ્ય છે. મસ્કે સોદો પાર પાડવો જોઈએ એવી રજૂઆત કોર્ટમાં ટ્વિટર વતી થઈ હતી.

City News

Sports

RECENT NEWS